કુસ્તીબાજ સુશીલ કુમારની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે હત્યા કેસમાં જામીન રદ કર્યાં
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે હત્યાના કેસમાં કુસ્તીબાજ સુશીલ કુમારના જામીન રદ કર્યા છે. કોર્ટે તેમને એક અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર પર કુસ્તીબાજ સાગર ધનકરની હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સુશીલ કુમાર પર 4 મે, 2021 ના રોજ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમના પાર્કિંગમાં જુનિયર કુસ્તીબાજ સાગર ધનકર અને તેના મિત્રો પર મિલકતના વિવાદમાં ખૂની હુમલો કરવાનો આરોપ છે. હુમલામાં ઘાયલ સાગરે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પોલીસે આ કેસમાં સુશીલ કુમારની ધરપકડ કરી હતી. આ આખો મામલો ભૂતપૂર્વ જુનિયર રાષ્ટ્રીય કુસ્તીબાજ સાગર ધનકરની હત્યા સાથે સંબંધિત છે. કુસ્તીબાજ સુશીલ કુમારે તેના સાથીઓ સાથે મળીને 5 મેની રાત્રે સાગરને માર માર્યો હતો. બાદમાં સાગરનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત, ચાર વધુ કુસ્તીબાજો પણ ઘાયલ થયા હતા. ચાર્જશીટમાં 13 આરોપીઓના નામ આપવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે આરોપીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ગુનાહિત કાવતરું, અપહરણ, લૂંટ અને અન્ય ગુનાઓ હેઠળ FIR નોંધી હતી. આ કેસ સાથે જોડાયેલો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં સુશીલ અને તેના મિત્રો કેટલાક લોકોને માર મારી રહ્યા હતા.