ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝનો આવતીકાલથી પ્રારંભ: પ્રથમ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે
નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બહુપ્રતિક્ષિત ટેસ્ટ સિરીઝનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. આ સિરીઝની શરૂઆતની મેચ ક્રિકેટના ઐતિહાસિક મેદાન ગણાતા કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મુકાબલો બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ ધરાવે છે. પ્રશંસકોને બંને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળવાની આશા છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે મેચોની ટેસ્ટ શ્રેણીનો પ્રથમ મુકાબલો શુક્રવારથી કોલકાતાના પ્રખ્યાત ઈડન ગાર્ડન્સ મેદાનમાં શરૂ થવાનો છે. ટી-20 શ્રેણીમાં ઑસ્ટ્રેલિયા પર વિજય બાદ ટીમ ઈન્ડિયા હવે લાલ બોલના ફોર્મેટમાં વાપસી કરી રહી છે. ઈડન ગાર્ડન્સમાં લગભગ છ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટ ફરી જીવંત થવાનું છે. કપ્તાન શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ પોતાના ઘરેલુ પ્રદર્શનને વધુ મજબૂત કરવાની ઈચ્છા રાખે છે, જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા ઈતિહાસ ફરી રચવા ઉતરશે.
ટીમ ઈન્ડિયા માટે સૌથી સારા સમાચાર તરીકે ઋષભ પંતની વાપસી ગણાવી શકાય. પગની ઇજામાંથી સાજા થયા બાદ તેઓ ફરી ટીમમાં સામેલ થયો છે અને શક્યતા છે કે તે પ્લેઇંગ ઇલેવનમાં પણ હશે.આ ઉપરાંત, ધ્રુવ જુરેલને પણ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે તક મળવાની પૂરી શક્યતા છે. બીજી તરફ, નીતીશ રેડ્ડીને ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યા છે.
વિશ્લેષકોના જણાવ્યા મુજબ, જુરેલનું તાજેતરનું ફોર્મ ટીમ માટે મોટું બોનસ સાબિત થઈ શકે છે. દક્ષિણ આફ્રિકા-એ સામે તેમણે બે સદી ફટકારી હતી. જેના કારણે તેની દાવેદારી પ્લેઇંગ-11 વધુ મજબૂત બનશે. ટીમના આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડેશકાટે પણ સંકેત આપ્યા કે જુરેલનું ફોર્મ “ચયનકર્તાઓ માટે એક લક્ઝરી વિકલ્પ” બની ગયું છે.