વિશ્વ જલ દિવસ 2025: "જળનું ભવિષ્ય – તરસ્યા ગ્રહ માટે ટકાઉ ઉકેલ" કાર્યક્રમનું આયોજન કરાયું
અમદાવાદઃ વિશ્વ જલ દિવસ 2025ની થીમ "જળનું ભવિષ્ય – તરસ્યા ગ્રહ માટે ટકાઉ ઉકેલ" હેઠળ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE) દ્વારા "અમદાવાદમા" પ્રોજેક્ટ અંતર્ગત, ગ્લોબલ વોટર ઇનોવેશન સેન્ટર ફોર એક્શન (GWICA) સાથે સહયોગમાં આ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. અમદાવાદ સ્થિત CEE ઓડિટોરીયમ ખાતે યોજાયેલ આ ઇવેન્ટમાં વિશ્વવિદ્યાલયોના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, NGO પ્રતિનિધિઓ, ઉદ્યોગના નિષ્ણાતો અને નીતિનિર્માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેઓ જળસંપત્તિ અને તેના ટકાઉ સંચાલન માટે સંકલિત પ્રયત્નો માટે પ્રતિબદ્ધ હતા.
ઇવેન્ટની શરૂઆત તુષાર જાની (સિનિયર પ્રોગ્રામ ડિરેક્ટર, CEE) દ્વારા પ્રસંગ ઉપસ્થાપન સાથે કરવામાં આવી, ત્યારબાદ CEEના ડિરેક્ટર કૃતિકેય સરભાઈ દ્વારા સ્વાગત સંદેશ (વિડિયો દ્વારા) આપવામાં આવ્યો. GWICAના સીનિયર મેનેજર સ્નેહિત કુમાર રાહુલ એ GWICAના દ્રષ્ટિકોણ અને જળ સંરક્ષણ માટે તેમના પ્રભાવશાળી પ્રયત્નો વિશે વિસ્તૃત માહિતી આપી.
પ્રોફેસર સસ્વત બંદ્યોપાધ્યાય (CEPT યુનિવર્સિટી) દ્વારા વિશિષ્ટ સંબોધન આપવામાં આવ્યું, જેમાં ટકાઉ જળ સંચાલનની તાત્કાલિક જરૂરિયાત ઉપર ભાર મુકવામાં આવ્યો. ત્યારબાદ, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે, શ્રીમતી ખુશાલી દોડિયા (RISE Hydroponics)એ – નવતર પાણી-ક્ષમ કૃષિ પદ્ધતિઓ વિશે, રવિન્દ્ર વાઘ (VIKSAT)એ – સમુદાય આધારિત જળ સંરક્ષણના પ્રયાસો વિશે, શ્રીમતી પાયલ દેસાઈ (FES) – સામૂહિક પ્રયાસો, ઇકોલોજિકલ રિસ્ટોરેશન અને CLART જેવા નવીન સાધનો દ્વારા ટકાઉ જળ સંરક્ષણની તાતી જરૂરિયાત વિશે તેમજ ડૉ. મંસી ગોસ્વામી (અદાણી ફાઉન્ડેશન) – કોર્પોરેટ ક્ષેત્રના જળ સંરક્ષણ પ્રયોગો વિશે માહિતસભર રજૂઆતો કરી હતી.
ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ "જળસુરક્ષા માટે નવીનતા અને નીતિઓ" વિષયક પેનલ ચર્ચા રહી, જેનું સંચાલન શ્રી તુષાર જાની (CEE) દ્વારા કરવામાં આવ્યું. પેનલમાં જાણીતા નિષ્ણાતો જેમ કે ડૉ. તનુશ્રી ગુપ્તા (ગણપત યુનિવર્સિટી), શ્રીમતી નફિસા બરોટ (ઉત્ત્થાન ફાઉન્ડેશન), યશવંત પંવાર (મુખ્યા, GWICA) અને સુમન રાઠોડ (CEE) ઉપસ્થિત રહ્યા હતા, જેમણે જળ સંરક્ષણ નીતિઓ, નવી ટેક્નોલોજી અને ગ્રાસરૂટ સ્તરે લેવાતા પ્રયત્નો પર મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા.
CEE અને GWICAના પ્રતિનિધિઓ દ્વારા સમાપન સંબોધન કરવામાં આવ્યું, જેમાં ટકાઉ જળ સંરક્ષણ માટે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકાયો. વિશિષ્ટ ક્ષેત્રોના પ્રતિનિધિઓની ઉલ્લેખનીય હાજરી અને માહિતીસભર ચર્ચાઓએ સ્પષ્ટ કર્યું કે, જળ સંકટના સમાધાન માટે બહુપક્ષીય સહકાર જરૂરી છે.