પાકિસ્તાનની દરેક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેંજમાંઃ રાજનાથસિંહ
લખનૌઃ લખનૌમાં બ્રહ્મોસ એયરોસ્પેસ યુનિટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરમાં ભારતની તાકાત અને આત્મનિર્ભરતાને પુરી દુનિયાએ જોઈ છે. પાકિસ્તાનની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની પહોંચમાં છે. ઓપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર છે, આ ટ્રેલરએ સમગ્ર દુનિયાને સંદેશ પ્યો છે કે, ભારત પોતાના દુશ્મનોને નિયંત્રણમાં રાખવા માટે ક્ષમતા ધરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બ્રહ્મોસ મિસાઈલ હવે હથિયાર નહીં પરંતુ ભારતની સ્વદેશી શ્રમતાઓ અને ટેકનીક તાકાતનું પ્રતિક બની ગઈ છે. આ સુપરસોનિક મિસાઈલ ભારતીય સુરક્ષા દળોની જરૂરિયાત બની ચુકી છે.
રાજનાથ સિંહે લખનૌની ભૂમિકા પર પણ પ્રકાશ પાડતા કહ્યું હતું કે, લખનૌ હવે ફક્ત સંસ્કૃતિનું શહેર નથી રહ્યું, પરંતુ ટેકનોલોજી અને ઉદ્યોગનું કેન્દ્ર બની ગયું છે. ઉત્તર પ્રદેશમાં સંરક્ષણ ઉત્પાદન કેન્દ્રો વિકસી રહ્યા છે, અને બ્રહ્મોસ મિસાઇલ યુનિટ તેનો એક ભાગ છે. તેમણે જણાવ્યું કે, આ આધુનિક સુવિધાનું ઉદ્ઘાટન 11 મે, 2025 ના રોજ કરવામાં આવ્યું હતું, અને માત્ર પાંચ મહિનામાં, બ્રહ્મોસ મિસાઇલોનો પ્રથમ બેચ લખનૌથી પહોંચાડવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે આ યુનિટમાં વાર્ષિક આશરે 100 મિસાઇલ સિસ્ટમ્સનું ઉત્પાદન કરવામાં આવશે. આ મિસાઇલો સેના, નૌકાદળ અને વાયુસેના માટે ઉપલબ્ધ રહેશે. આ યુનિટ આશરે 200 એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યું હતું અને તેની કિંમત આશરે રૂ. 380 કરોડ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.