વિશ્વ કઠોળ દિવસઃ તુવેર અને ચણાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન
અમદાવાદઃ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કૃષિ મહોત્સવ જેવી પહેલો તેમજ સુજલામ સુફલામ અને સૌની યોજના જેવી સિંચાઈ યોજનાઓને કારણે ગુજરાતના કૃષિ ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો છે, જ્યારે ખેડૂતોને લક્ષિત સબસીડીઓ પ્રદાન કરીને તેમજ વ્યૂહાત્મક પ્રયાસો દ્વારા કૃષિપેદાશોની નિકાસમાં પણ ગુજરાત ઘણું મજબૂત થયું છે. એપ્રિલ 2024થી જાન્યુઆરી 2025 સુધીના નિકાસના આંકડાઓ પર નજર નાંખીએ, તો ગુજરાતે કઠોળ, ગુવાર ગમ અને ડેરી ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)ના અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન 2,47,789 ટન કઠોળની નિકાસ થઈ છે, જે ગત વર્ષ કરતા બમણી છે. નિકાસકારોને પણ ડોલરમાં આવકનો ફાયદો થયો છે, જેના કારણે પણ નિકાસમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, કઠોળની ખેતી અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વિશ્વભરમાં 10 ફેબ્રુઆરીનો દિવસ ‘વિશ્વ કઠોળ દિવસ’તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વમાં કઠોળના સૌથી મોટા ઉત્પાદક અને વપરાશકાર દેશ તરીકે ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વર્ષના બજેટ સત્રમાં તુવેર, અડદ અને મસૂર જેવા કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી છે, તેમજ કઠોળના ઉત્પાદનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે. મુખ્યમમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત આજે કઠોળના ઉત્પાદનમાં એક મુખ્ય યોગદાનકર્તા રાજ્ય તરીકે ઉભર્યું છે, અને આ મહત્વપૂર્ણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
કઠોળના ઉત્પાદનમાં ગુજરાતનો નોંધપાત્ર વિકાસ
તુવેર અને ચણાના અનુક્રમે 1163 કિગ્રા પ્રતિ હેક્ટર અને 1699 કિગ્રા પ્રતિ હેક્ટરના ઉત્પાદન સાથે ગુજરાત આ બંને કઠોળના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત, મગ અને અડદની ઉત્પાદકતામાં ગુજરાત દેશમાં પાંચમું સ્થાન ધરાવે છે, જેમાં મગનું ઉત્પાદન 810 કિગ્રા પ્રતિ હેક્ટર અને અડદનું ઉત્પાદન 721 કિગ્રા પ્રતિ હેક્ટર છે. ગુજરાતમાં ચણા, મગ, અડદ, મઠ, તુવેર, ચોળા, વાલ, વટાણા વગેરે જેવા વિવિધ પ્રકારના કઠોળનું વાવેતર થાય છે.
ભારત સરકારના આત્મનિર્ભર ભારત મિશન અંતર્ગત, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કઠોળના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કઠોળ હેઠળનો કુલ વિસ્તાર 2018-19 માં 6.62 લાખ હેક્ટરથી વધીને 2022-23 માં 13.10 લાખ હેક્ટર થયો છે. તેવી જ રીતે, કઠોળના ઉત્પાદનમાં પણ લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે, એટલે કે ઉત્પાદન 2018-19 માં 6.79 લાખ મેટ્રિક ટનથી વધીને 2022-23 માં 18.11 લાખ મેટ્રિક ટન થયું છે, જેમાં ચણા, મગ, મઠ અને અડદના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ખાલી ચણાના જ વાવેતર અને ઉત્પાદનમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે. ચણાનો વાવેતર વિસ્તાર 2018-19માં 1.73 લાખ હેક્ટરથી વધીને 2022-23માં 7.64 લાખ હેક્ટર થયો છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ઉત્પાદન 2.35 લાખ મેટ્રિક ટનથી વધીને 12.98 લાખ મેટ્રિક ટન થયું છે.
ખેડૂતોની આવકમાં વધારો અને જીવનધોરણમાં સુધારો
વર્ષ 2020-21થી કઠોળના મુખ્ય પાકોના લઘુતમ ટેકાના ભાવો (MSP)માં સતત વધારો થઈ રહ્યો છે, જેમકે, તુવેર (26%), મગ (21%), અડદ (23%), ચણા (11%) અને મસૂર (31%), જેના કારણે ખેડૂતોની કમાણીમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં, કઠોળના પાકો જમીનમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે, જેનાથી જમીનની ફળદ્રુપતા વધી છે. તેના કારણે નાઇટ્રોજન ખાતર પરની નિર્ભરતા અને તેના ઇનપુટ ખર્ચમાં પણ ઘટાડો થયો છે. કઠોળના ઉત્પાદનમાં થયેલા આ વધારાથી ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે જ તેમનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે. આ લાભોથી પ્રોત્સાહિત થઇને વધુ ને વધુ ખેડૂતો આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.
કઠોળ પાકોના ઉત્પાદન માટે ખેડૂતોને મળતી સહાય યોજનાઓ
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન (NFSM) ચણા, મગ, તુવેર અને અડદ જેવા કઠોળ પાક માટે આવશ્યક સહાય પૂરી પાડે છે. આ પહેલ દ્વારા ખેડૂતોને પ્રમાણિત બીજનું વિતરણ કરવામાં આવે છે, સહાયિત દરે ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે છે અને વિશેષ તાલીમ પણ આપવામાં આવે છે, જે પાકની ઉત્પાદકતા વધારવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. ઉપજમાં વધુ વધારો કરવા માટે, રાજ્ય સરકારે બીજ રિપ્લેસમેન્ટ રેટ (SRR) યોજના લાગુ કરી છે, જેનાથી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રમાણિત બીજ મળે છે, જેનાથી પાકની ગુણવત્તામાં સુધારો થાય છે અને વધુ સારું વળતર મળે છે. જ્યારે બજારભાવો લઘુતમ ટેકાના ભાવો (MSP)થી નીચે જાય ત્યારે, કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત નોડલ એજન્સી ટેકાના ભાવની યોજના (PSS) દ્વારા ખેડૂતો પાસેથી આવા ગુણવત્તાયુક્ત પાકોની ટેકાના ભાવે સીધી ખરીદી કરે છે, જેનાથી તેમની આવકનું રક્ષણ થાય છે અને બજારના ભાવોની વધઘટ વચ્ચે ખેડૂતોને નાણાકીય સ્થિરતા મળે છે.
કઠોળનું ઉત્પાદન વધારવામાં સિંચાઇ યોજનાઓની અસર
ગુજરાતની સિંચાઈ યોજનાઓ અને પહેલોએ કઠોળના ઉત્પાદનમાં થયેલા વધારામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. વર્ષ 2005-06 થી 2024-25 સુધી ટપક સિંચાઈ પદ્ધતિ તેમજ સ્પ્રિન્કલર પદ્ધતિ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ તકનીકોના ઉપયોગ દ્વારા 24,13,945 હેક્ટર જમીનને સિંચાઇ હેઠળ લાવવામાં આવી છે. સિંચાઇ માળખાના આ વિસ્તરણથી માત્ર કઠોળના વાવેતર માટે સમર્પિત વિસ્તારમાં જ વધારો નથી થયો, પરંતુ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર સુધારો થયો.
કઠોળની ખેતીમાં આધુનિક તકનીકો અને નવીનીકરણ
ખેડૂતો ઉત્પાદકતા વધારવા માટે આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. યાંત્રિકીકરણ, સુધારેલી હાઇબ્રિડ જાતો, પ્રમાણિત બીજ અને અદ્યતન બીજ સારવાર તકનીકો ઉપજ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સિંચાઇ માટે ટપક પિયત અને સ્પ્રિંકલર પદ્ધતિ જેવી કાર્યક્ષમ સિંચાઇ પદ્ધતિઓ, જૈવિક ખાતરોનો ઉપયોગ, મિશ્ર અને આંતરપાક પદ્ધતિ તેમજ પાકની ફેરબદલી જેવી પદ્ધતિઓ કાર્યક્ષમતા અને સંસાધનોના વ્યવસ્થાપનમાં વધુ વધારો કરે છે. થ્રેશર્સ, કમ્બાઈન હાર્વેસ્ટર, ટ્રેક્ટર અને ગ્રેડર સહિતના યાંત્રિક સાધનોના એકીકરણથી ખેતીની કામગીરી સુવ્યવસ્થિત થઈ છે, ખેડૂતોની મજૂરી ઓછી થઈ છે અને કાર્યક્ષમતા વધી છે. આ ઉપરાંત, સંકલિત ખેતી અને પ્રાકૃતિક ખેતી જેવા નવીન અભિગમોએ પણ કઠોળના ઉત્પાદનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.