For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુરુ ગોળવળકરજી માનતા કે હિન્દુ સમાજમાંથી જાતિવાદને સાધુ-સંતો દૂર કરી શકે

11:47 AM Nov 13, 2025 IST | revoi editor
ગુરુ ગોળવળકરજી માનતા કે હિન્દુ સમાજમાંથી જાતિવાદને સાધુ સંતો દૂર કરી શકે
Advertisement
  • ગુરુ ગોળવળકરજીના સમયમાં સંઘની વિવિધ સંસ્થાઓનો પ્રારંભ થયો

અમદાવાદ, 13 નવેમ્બર, 2025: Guru Golwalkarji on casteism in Hindu society ગુરુ ગોળવળકરજી માનતા કે હિન્દુ સમાજમાંથી જાતિવાદને સાધુ-સંતો દૂર કરી શકે, તેમ આરએસએસના સહકરકાર્યવાહ મુકુંદજીએ અહીં જણાવ્યું હતું. તેઓ બુધવારે ભારતીય વિચારમંચ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળામાં બોલી રહ્યા હતા.

Advertisement

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે અમદાવાદમાં યોજાઈ રહેલી ચાર દિવસની વ્યાખ્યાનમાળાના બીજા દિવસે 12 નવેમ્બરને બુધવારે સહસરકાર્યવાહ મુકુંદજીએ સંઘના બીજા સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોળવળકર વિશે મનનીય વક્તવ્ય આપ્યું હતું. મુકુંદજીએ ગુરુજી તરીકે ઓળખાતા ગોળવળકરજીના 33 વર્ષના કાર્યકાળની કામગીરી અને સમાજ ઉપર ગુરુજીના પ્રભાવ વિશે માહિતી આપી હતી.

ભારતીય વિચારમંચ દ્વારા આયોજિત આ વ્યાખ્યાનમાળા ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન હૉલમાં યોજાઈ રહી છે. ગઈકાલે બીજા દિવસે આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળના સંતો, મહંતો, વૈષ્ણવ મહંતો, કથાકારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, આર.સી. ફળદુ, ભૂતપૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભૂતપૂર્વ મંત્રી માયાબેન કોડનાની, ધારાસભ્ય અમીત ઠાકર, ઓર્ગેનાઈઝરના તંત્રી પ્રફુલ કેતકર, ભાજપના અન્ય અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

મુકુંદજીએ ગુરુ ગોળવળકરનો ટૂંકો પરિચય આપ્યા બાદ તેમની નિશ્રામાં સંઘે દેશના અન્ય ક્ષેત્રોમાં કરેલો વિસ્તાર અને સંગઠનની કામગીરી વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે કહ્યું કે, ગુરુજી રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા હતા અને ત્યાં તેમણે ત્રણ દિક્ષા લીધી હતી. ત્યારપછી ડૉ. હેડગેવારજીએ ગુરુજીને સંઘનું દાયિત્વ સોંપ્યું.

ગુરુજી માનતા હતા કે ભારતીય હિન્દુ સમાજમાં સદીઓથી જે જાતિવાદ ઘર કરી ગયો છે તેને દૂર કરવા માટે સાધુ-સંતોની ભૂમિકા સૌથી મહત્ત્વની બની શકે તેમ છે. મુકુંદજીએ કહ્યું કે, ગુરુજીના મતે સાધુ-સંતોની સ્વિકૃતિ સમાજના દરેક વર્ગમાં હોય છે. સમાજ તેમની વાત સાંભળે છે અને સ્વીકારે છે. અને તેથી જાતિવાદ દૂર કરીને હિન્દુ સમાજને સંગઠિત કરવાની કામગીરી માટે સાધુ-સંતોની મદદ લેવી જોઈએ.

સંઘના સહસરકાર્યવાહે કહ્યું કે, ગુરુ ગોળવળકરના સમયમાં સંઘના સમર્થનથી હિન્દુ સમાજની વિવિધ સંસ્થાઓનો પ્રારંભ અને વિકાસ થયો. જેમ કે, રાજકીય પ્રતિનિધિત્વ માટે જનસંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્ર સ્વયંસેવિકા સમિતિ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, સ્વતંત્રતા પછીના સમયમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે સંઘ કામગીરી કરી રહ્યો હતો પરંતુ ગાંધીજીની હત્યા બાદ સંઘ ઉપર પ્રતિબંધ લાગી ગયો. આ સંજોગોમાં રાષ્ટ્રવાદી અગ્રણીઓને લાગ્યું કે આપણી વાત પ્રબળ રીતે રજૂ કરી શકે તે માટે રાજકીય પક્ષ હોવો જોઈએ અને ત્યારે ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી જનસંઘની સ્થાપનાના વિચાર સાથે ગુરુજીને મળ્યા. જેને પગલે 1951માં જનસંઘની સ્થાપના થઈ. એ જ રીતે હિન્દુ સમાજની ધાર્મિક-સાંસ્કૃતિક એકતા અને જાતિવાદના નિર્મૂલન માટે 1964માં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)નો પ્રારંભ થયો.

મુકુંદજીએ માહિતી આપી કે, સંઘના હાલના શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તનનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે, જેમાં સમરસતા, પર્યાવરણને સાનુકૂળ લાઈફસ્ટાઈલ, પરિવારમાં જાગ્રતિ, સ્વદેશી ચીજોનો ઉપયોગ તથા મૂળભૂત ફરજોનું પાલનનો સમાવેશ થાય છે.

વ્યાખ્યાનમાળાના ત્રીજા દિવસે આજે ગુરુવારે બાળાસાહેબ દેવરસ તથા રાજેન્દ્ર સિંહ વિશે અતુલ લિમયે વક્તવ્ય આપશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક શતાબ્દીની ગૌરવશાળી સફર એટલે રાષ્ટ્રસેવાનો મહાયજ્ઞઃ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

Advertisement
Tags :
Advertisement