મહિલા પ્રીમિયર લીગઃ ગુજરાત જાયન્ટ્સ ટીમની કમાન ઓસ્ટ્રેલિયાની આ ઓલરાઉન્ડરને સોંપાઈ
ગુજરાત જાયન્ટ્સે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની આગામી સીઝન માટે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટની એક અગ્રણી વ્યક્તિ, ગાર્ડનરે 2017માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ગાર્ડનર બે વખત, બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ વિજેતા છે અને તેમણે ઓસ્ટ્રેલિયાને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં, સુવર્ણ ચંદ્રક જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે દક્ષિણ આફ્રિકામાં 2023ના ટી-20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતા.
લીગની શરૂઆતથી જ, ગાર્ડનર ગુજરાત જાયન્ટ્સનો અભિન્ન ભાગ રહી છે. WPLની છેલ્લી 2 સીઝનમાં તેણે 324 રન બનાવ્યા છે અને 17 વિકેટ લીધી છે. ગાર્ડનરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન બનવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. મને આ ટીમનો ભાગ બનવાનું ખૂબ ગમે છે અને હું આગામી સિઝનમાં આ મહાન ટીમનું નેતૃત્વ કરવા માટે ઉત્સાહિત છું. અમારી ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓ અને વિપુલ પ્રમાણમાં ભારતીય પ્રતિભાનું ઉત્તમ મિશ્રણ છે. હું ટીમ સાથે કામ કરવા અને અમારા ચાહકોને ગર્વ અપાવવા માટે આતુર છું."
ટીમના મુખ્ય કોચ માઈકલ ક્લિંગરે ગાર્ડનરના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, "તે એક મહાન સ્પર્ધક છે. તેમની રમત જાગૃતિ, રણનીતિક કુશળતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની ક્ષમતા તેમને ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન માટે આદર્શ પસંદગી બનાવે છે. અમને વિશ્વાસ છે કે તે આગળથી નેતૃત્વ કરશે અને ટીમને સફળતા અપાવશે."
ગત સિઝનમાં ટીમનું નેતૃત્વ બેથ મૂનીએ કર્યું હતું. ભૂતપૂર્વ કેપ્ટન વિશે બોલતા, ક્લિંગરે કહ્યું, "હું મૂનીનો તેમના ખૂબ જ મૂલ્યવાન નેતૃત્વ માટે આભાર માનું છું. હવે તે વિકેટ કિપિંગ અને બેટિંગ લાઈનઅપ ખોલવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. તે હજુ પણ અમારી ટીમમાં એક મુખ્ય નેતા છે."
અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેસરાએ જણાવ્યું હતું કે, "ગાર્ડનર પોતાના સમર્પણ, કૌશલ્ય અને નેતૃત્વ દ્વારા ગુજરાત જાયન્ટ્સની ભાવનાને મૂર્તિમંત કરે છે. કેપ્ટન તરીકે તેમની નિમણૂક ઉચ્ચતમ સ્તરે સ્પર્ધા કરતી વિશ્વ-સ્તરીય ટીમ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરે છે. અમને વિશ્વાસ છે કે તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ WPLમાં સારું પ્રદર્શન કરશે."