વડોદરામાં ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીથી ત્રાસી મહિલાઓએ માટલાં ફોડીને વિરોધ કર્યો
- ચંદ્રલોક સિહત સોસાયટીઓમાં છેલ્લા પખવાડિયાથી દૂષિત પાણી મળતુ હતુ
- મ્યુનિને ફરિયાદ કરવા છતાંયે કોઈ ઉકેલ ન આવ્યો
- મહિલાઓએ દૂષિત પાણીની બોટલો ભરીને અધિકારીઓને આપી
વડોદરાઃ શહેરમાં ગોરવા વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી આવતુ હોવાની ફરિયાદો ઊઠી છે. આ અંગે મ્યુનિના સત્તાધિશોને રજુઆત કરવા છતાંયે કોઆ પગલાં ન લેવાતા આ વિસ્તારની મહિલાઓએ માટલાં ફોડીને વિરોધ કર્યો હતો.
વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે ઠેર ઠેર પાણીની ફરિયાદો ઉઠી છે. ત્યારે ગોરવા વિસ્તારની ચંદ્રલોક સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીઓમાં પણ છેલ્લા 15 દિવસથી દૂષિત પાણીની સમસ્યા હોય સ્થાનિકોએ માટલા ફોડી તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દશામાના મંદિર પાસે આવેલા વોર્ડ નંબર 8 માં સમાવિષ્ટ ચંદ્રલોક સોસાયટી 800 જેટલા મકાનો ધરાવે છે. આ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પીવાનું પાણી મળતા અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા મહિલાઓ માજી કાઉન્સિલર વિરેન્દ્ર રામીની આગેવાનીમાં મ્યુનિ. સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે હાથમાં દૂષિત પાણી ભરેલા બોટલ રાખી તંત્ર વિરુદ્ધ આક્રોશ સાથે માટલા ફોડી સમસ્યાના નિરાકરણની માંગ કરી છે.
આ અંગે સ્થાનિક મહિલાઓનું કહ્યું છે કે, છેલ્લા 15 દિવસથી વિસ્તારમાં પીવાના પાણીની સાથે ડ્રેનેજનું પાણી ભળતા દુર્ગંધ મારતું પીળાશ પડતું પાણી વિતરણ કરાઈ રહ્યું છે. જેના કારણે રોગચાળો વકરે તેવી સ્થિતિ છે. એક તરફ ચૈત્ર નવરાત્રીના ઉપવાસ છે અને બીજી તરફ પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું નથી. આ વિસ્તારના નેતા તથા અધિકારીઓને રજૂઆત કરવા છતાં સ્થળ પર કોઈ ફરકતું નથી. જેથી નિંદ્રાધીન તંત્રની આંખો ખોલવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે.