વડોદરામાં મકરપુરા રોડ પર મહિલા કારચાલકે ટૂ-વ્હીલરને મારી ટક્કર, બેને ઈજા
- કારની ટક્કરથી યુવાન ફુટબોલની જેમ હવામાં ઉછળ્યો,
- અકસ્માતની ઘટનાના CCTV વાયરલ થયા,
- માંજલપુર પોલીસે મહિલા કારચાલકની ધરપકડ કરી
વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના મકરપુરા વિસ્તારમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરના મકરપુરા એરફોર્સ રોડ પર કારચાલકે ટૂ-વ્હીલરને ટક્કર મારી હતી, જેમાં બે યુવક ઇજાગ્રસ્ત થયા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે ટૂ-વ્હીલર ચાલક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયો હતો. બંને યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની આ ઘટનાના CCTV પણ વાયરલ થયા છે. માંજલપુર પોલીસે અકસ્માત કરનાર મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી યશોદા કોલોનીમાં રહેતા દેશરાજ રામા યાદવ (ઉંમર.34) તેમના એકટીવા પર વિરેન્દ્ર ભોલાભાઈ સરોજ (ઉંમર.28, રહે. રણછોડ નગર, માણેજા રોડ, વડોદરા)ને લઈને એરફોર્સ રોડ પર કામ અર્થે ગયા હતા. જ્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે મકરપુરા એરપોર્ટ સ્ટેશનથી માણેજા રોડ પર રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે ટુ-વ્હીલરને મહિલા કાર ચાલકે ટક્કર મારી હતી. કારની ટક્કરથી ટુ-વ્હીલર ચાલક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને મકરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત ટુ-વ્હીલર ચાલક દેશરાજ રામા યાદવે જણાવ્યું હતું કે, હું મકરપુરા જીઆઇડીસીમાં કામ કરું છું. કંપનીનો સામાન આપવા માટે બહાર ગયા હતા. ત્યારબાદ એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા હતા. ત્યાંથી નીકળતા જ એક કાર ચાલકે અમારા ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. જેથી મને માથા, કમર અને કાનના ભાગે ઈજાઓ થઈ છે. મારે બે બાળકો છે. હું રોજ 400 રૂપિયા કમાઈને પરિવારનું ગુજરાન ચલાવુ છું, પરંતુ કારચાલક મદદ કરવા તૈયાર નથી.
આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.ડી. ગમારાએ જણાવ્યું કે, અકસ્માતની જાણ થતા અમારી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને કારચાલક મહિલાની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.