For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી 9મી નવેમ્બરથી કરાશેઃ કૃષિ મંત્રી

06:20 PM Nov 05, 2025 IST | Vinayak Barot
મગફળી  મગ  અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી 9મી નવેમ્બરથી કરાશેઃ કૃષિ મંત્રી
Advertisement
  • ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15000 કરોડથી વધુના મૂલ્યની ખરીદી કરાશે,
  • પ્રતિ ખેડૂત 125 મણ મગફળીની ખરીદી કરવાનો નિર્ણય,
  • ટેકાના ભાવમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય કરાયો

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની આગામી તા. 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Advertisement

મંત્રીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોને આર્થિક નુકશાનથી બચાવવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 480, અડદના ભાવમાં રૂ.400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 436નો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા સાથેનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળશે.

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી આશરે રૂ. 15000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના ખેડૂતોએ ઓછા બજાર ભાવમાં પોતાની જણષ વેચવી નહીં પડે.

Advertisement

રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને મગફળી મગ, અડદ અને સોયાબીન માટે 3૦૦થી વધુ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જરૂરિયાત જણાય તો કેન્દ્રોની સંખ્યા હજુ પણ વધારવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. 7263  પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. 8.768 પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. 7800  પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. 5328  પ્રતિ કિવ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement