For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ચિલોડા-દહેગામ રોડ પર ઈનોવા-રિક્ષા અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માતમાં મહિલાનું મોત, 7ને ઈજા

04:18 PM Nov 10, 2025 IST | Vinayak Barot
ચિલોડા દહેગામ રોડ પર ઈનોવા રિક્ષા અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માતમાં મહિલાનું મોત  7ને ઈજા
Advertisement
  • પૂરફાટ ઝડપે ઇનોવા કારે મજૂરોને લઈ જતી રિક્ષાને ટક્કર મારી,
  • ઈનોવાકાર રોડ સાઈડ પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ,
  • ચિલોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ મોટા ચિલોડા-દહેગામ રોડ પર સર્જાયો હતો. ત્રિપલ અકસ્માતના આ બનાવમાં પૂરફાટ ઝડપે ઈનોવા કારે રિક્ષાને અડફેટે લીધા બાદ રોડ સાઈડ પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યુ હતું. જ્યારે સાત લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મોટા ચિલોડા-દહેગામ રોડ પર આવેલી કેશવ હોટલ નજીક ગઈકાલે રાતે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ઇનોવા કારે મજૂરોને લઈ જતી રિક્ષાને ટક્કર મારી હતી. બાદમાં ઇનોવા કાર  રોડની સાઇડમાં પાર્ક કરેલી આઈવા ટ્રકની ડીઝલ ટાંકીના ભાગે અથડાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મજૂર મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય સાત લોકોને ઇજાઓ પહોંચી છે. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતાં કારમાંથી દારૂની બોટલ પણ મળી હતી.

આ અકસ્માત અંગે ઇજાગ્રસ્ત રિક્ષા-ડ્રાઈવર પંકજજી પ્રહલાદજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, લેકાવાડા ખાતે કમલેશભાઇ પટેલે ખેતરમાં બટાકાનું બિયારણ કાપવા મજૂરી અર્થે બોલાવ્યા હતા, જેથી પંકજજી ગામના શૈલેષ વિક્રમજી ઠાકોર, લીલાબેન કાંતિજી ઠાકોર, અર્જુન કાંતિજી ઠાકોર, મહેન્દ્રભાઈ નરસિંહભાઈ વાઘેલા, જ્યોત્સ્નાબેન મહેન્દ્રભાઈ વાઘેલા, મુન્નીબેન કાંતિજી ઠાકોર તથા પૂનમબેન બળદેવજી ઠાકોરને રિક્ષામાં લઈને નીકળ્યા હતા. એ વખતે દહેગામ મોટા ચિલોડા રોડ ઉપર કેશવ હોટલ નજીક ઇનોવા ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી રિક્ષાને ટક્કર મારી હતી, જેથી રિક્ષા રોડની સાઇડમાં ફંગોળાઇને પલટી મારી ગઈ હતી. જ્યારે ઇનોવા કાર રોડની સાઈડમાં નજીકમાં પાર્ક કરેલી એક આઇવા ગાડીની ડીઝલ ટાંકીવાળા ભાગે અથડાઈ હતી. આ અકસ્માત સર્જી કાર મૂકીને ચાલક નાસી ગયો હતો.

Advertisement

અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. રિક્ષામાંથી તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં પૂનમબેન ઠાકોરને ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર અન્ય લોકોને નાની-મોટી ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતાં કારમાં દારૂની બોટલ પણ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement