સુરતમાં એમેઝોન કૂરિયરમાંથી 3 ડિલિવરીમેને કરી મોબાઈલની ચોરી, 4ની ધરપકડ
- આરોપીઓ પાસેથી 11 મોબાઇલ ફોન/ટેબ્લેટ સહિત કુલ 2,92,000નો મુદ્દામાલ કબ્જે કરાયો,
- ચોરીનો માસ્ટરમાઇન્ડ મોંહમદ અલ્તાફ ગુલામ હુસેન શેખ પ્રાઇવેટ નોકરી કરતો હતો,
- કૂરિયરના ડિલિવરી બોયની મદદથી પાર્સલમાંથી ચોરી કરાતી હતી,
સુરતઃ એમેઝોન કૂરિયરના પાર્સલમાંથી મોબાઈલ ફોન અને ટેબ્લેટની ચોરી કરતા ત્રણ ડિલિવરીબોય સહિત 4 શખસોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે 4 આરોપીઓ પાસેથી કુલ 2,32,000ની કિંમતના 11 મોબાઇલ ફોન/ટેબ્લેટ અને એક ટેમ્પો સહિત કુલ 2,92,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ વેરહાઉસ કે વાહનોમાં, પાર્સલોને ખૂબ કાળજીપૂર્વક ખોલીને અંદરથી મોબાઇલ ફોન કે ટેબ્લેટ કાઢી લેતા હતા.ફોન કાઢ્યા બાદ, તેઓ ખાલી પાર્સલને ફરીથી એવી રીતે પેક કરી દેતા હતા
સુરતની અઠવાલાઇન્સ પોલીસે એમેઝોન કૂરિયરના પાર્સલમાંથી મોબાઈલ ફોન અને ટેબ્લેટની ચોરી કરતા ત્રણ ડિલિવરીબોય સહિત 4 શખસોને પોલીસે ઝડપી લીધા હતા આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે ચોરીની પદ્ધતિ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ફરિયાદી રાજેશ બ્રીજ બિહારી અગ્રવાલ શહેરના નાનપુરા ખાતે કરંટ સિસ્ટમ્સના નામે મોબાઇલ હેન્ડસેટના વેચાણનો ધંધો કરે છે, તેમણે 17 એપ્રિલ, 2025થી 31 મે, 2025 દરમિયાન કુલ 109 મોબાઇલ ફોન અને ટેબ્લેટના અલગ-અલગ પાર્સલ એમેઝોન કુરિયર મારફતે એમેઝોન સેન્ટર ખાતે મોકલ્યા હતા. જોકે, તેમાંથી માત્ર 95 મોબાઇલ ફોન જ સેન્ટર સુધી પહોંચ્યા હતા અને 14 મોબાઇલ ફોન-ટેબ્લેટની ચોરી થઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ચોરીનો માસ્ટરમાઇન્ડ મુખ્ય આરોપી મોંહમદ અલ્તાફ ગુલામ હુસેન શેખ (ઉં.વ. 49) હતો, જે પ્રાઇવેટ નોકરી કરતો હતો અને તેણે એમેઝોન કુરિયર સર્વિસમાં કામ કરતા અન્ય ડિલિવરી બોયને પોતાની સાથે સામેલ કર્યા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપીઓએ ચોરીને અંજામ આપવા માટે તેમની કુરિયર સર્વિસની નોકરીનો ફાયદો ઉઠાવ્યો હતો. આરોપીઓ એવા પાર્સલોને નિશાન બનાવતા હતા, જેની અંદર મોંઘાદાટ મોબાઇલ ફોન કે ટેબ્લેટ હોવાની શક્યતા હોય. કુરિયર ડિલિવરી ચેઇનમાં હોવાથી, તેમને કિંમતી વસ્તુઓવાળા પાર્સલોની જાણકારી રહેતી હતી.જ્યારે કુરિયરનો માલ એક લોકેશનથી બીજા લોકેશન પર ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો હોય જેમ કે ફરિયાદીના સ્થળેથી એમેઝોન સેન્ટર સુધી, ત્યારે આરોપીઓ પાર્સલની હેન્ડલિંગ અને વહન દરમિયાન, ખાસ કરીને વેરહાઉસ કે વાહનોમાં, પાર્સલોને ખૂબ કાળજીપૂર્વક ખોલીને અંદરથી મોબાઇલ ફોન કે ટેબ્લેટ કાઢી લેતા હતા.ફોન કાઢ્યા બાદ, તેઓ ખાલી પાર્સલને ફરીથી એવી રીતે પેક કરી દેતા હતા, જેથી પ્રથમ દૃષ્ટિએ કોઈને ખ્યાલ ન આવે કે તેમાં ચોરી થઈ છે અથવા તો પાર્સલને જાણીજોઈને ગાયબ કરી દેતા હતા.
આરોપીઓ મોંઘાદાટ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સસ્તા ભાવે બજારમાં વેચીને આર્થિક લાભ મેળવવાનો ઇરાદો રાખતા હતા.પોલીસને અંગત બાતમી મળી હતી કે મોંહમદ અલ્તાફ ગુલામ હુસેન શેખ નાનપુરા જલારામ દાણાચણા દુકાન પાસે ચોરીના મોબાઇલ ફોન સાથે ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને મોંહમદ અલ્તાફ શેખને ઝડપી પાડ્યો. તેની પાસેથી પાંચ મોબાઈલ ફોન જેની કિંમત 1,01,000 અને એક ટાટા કંપનીનો છોટા હાથી ટેમ્પો 60,000 મળી આવ્યા હતા. મોંહમદ અલ્તાફની સઘન પૂછપરછમાં તેણે પોતાના સાથીદારો ભૌતિક કાશીનાથ મિસ્ત્રી (ઉં.વ. 20), આયુષ રણજીતભાઇ પટેલ (ઉં.વ. 20), અને સલમાન સુલેમાન શેખ (ઉં.વ. 23)ના નામ ખોલ્યા હતા. પોલીસે તાત્કાલિક અસરથી અન્ય 3 આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા અને ચોરીનો બાકીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.