રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા હવે તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થશે
- રાજ્યના હવામાન વિભાગે અગાઉ તાપમાન વધવાની આગાહી કરી હતી
- ગુજરાતમાં હવે એકાદ-બે દિવસ ગરમીમાં થોડી રાહત મળશે
- દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાશે
અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગે અગાઉ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા વ્યક્ત કરી હતી. પણ રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા આગામી બે દિવસ ગુજરાતમાં સરેરાશ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થવાની શક્યાતા છે. જેથી લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડીક રાહત મળી શકે છે. જોકે દરિયાકાંઠા વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધતા બફારા અનુભવાય રહ્યો છે, અને દરિયાકાંઠા વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ રહી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. શિયાળાએ એકાએક વિદાય લીધી હોય તેવા વાતાવરણનો લોકોને અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંત સુધી શિયાળાની ઋતુ માનવામાં આવે છે. હવે જ્યારે શિયાળાનો અંત નજીક આવ્યો છે, ત્યારે તાપમાનમાં વધારો થયો છે. જો કે, દર વર્ષે શિયાળાની વિદાય સમય બેવડી ઋતુનો અનુભવ થતો હોય છે. કારણ કે, શિયાળા બાદ ઉનાળાની ગરમી દિવસે સતાવે છે, જ્યારે રાત્રે શિયાળાને કારણે ઠંડકનો અનુભવ થતો હોય છે. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ ગરમીનું પ્રમાણ વધ્યું છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાવવાની શક્યતા છે. જેથી લોકોને ગરમીમાંથી થોડીક રાહત મળી શકશે. આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. તથા લઘુતમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન ધીમે-ધીમે ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. આગામી 24 કલાક રાજ્યભરમાં મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. તેનું મુખ્ય કારણ છે કે, પશ્વિમ રાજસ્થાનના ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તથા તેનાથી ઇન્ડ્યુસ ટ્રફ ઉત્તર પૂર્વ અરબસાગર તરફ સક્રિય થયું છે, જેને કારણે ગુજરાતના લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. જેને કારણે લોકોને ગરમીથી થોડીક રાહત મળવાની શક્યતાઓ છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં થઈ રહ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજવાળા પવનો ફૂંકાતા બફારાનો અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે.