ગાંધીનગરમાં સરકારી આવાસ તોડ્યા બાદ ખૂલ્લા પ્લોટ્સમાં તારની ફેન્સિંગ કરાશે
- પાટનગરમાં ખૂલ્લા પ્લોટ્સમાં બીન અધિકૃત દબાણો થઈ જાય છે
- જુના જર્જરિત આવાસો તોડી પાડતા અનેક પ્લોટ્સ ખૂલ્લા પડ્યા છે
- સેકટર 12 અને 16માં ખૂલ્લા પ્લાટમાં ફેન્સિંગ કરવાનો નિર્ણય
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ચારથી પાંચ દાયકા પહેલા બનાવેલા સરકારી ક્વાટર્સ જર્જરિત થતાં ખાલી કરાવીને જમીનદોસ્ત કરી દેવામાં આવી રહ્યા છે. એટલે ખાસ કરીને શહેરના સેક્ટર 12 અને 16માં સરકારી આવાસો પાડીને એનો કાટમાળ હટાવી દેતા હાલ પ્લોટ્સ ખૂલ્લા પડ્યા છે. ગાંધીનગરમાં ખૂલ્લા પ્લોટ્સમાં ગેરકાયદે દબાણો થઈ જતા હોય છે, અન્ય શહેરો કરતા ગાંધીનગરમાં આ દૂષણ સોથી વધુ છે. તેથી સરકારી ખુલ્લા પ્લોટ્સમાં બિનઅધિકૃત કબજો અને દબાણોના દૂષણને ડામવા માટે તારની ફેન્સિંગ કરાશે. જે અન્વયે સેક્ટર-12 અને સેક્ટર-16 ખાતે સરકારી આવાસો તોડયા પછી થયેલી ખુલ્લી જગ્યાઓ પર ફેન્સિંગ કરવામાં આવશે.
પાટનગર ગાંધીનગરમાં 40થી 50 વર્ષ પહેલા સરકારી કર્મચારીઓને રહેવા માટે ત્રણ માળના આવાસો બાંધવામાં આવ્યા હતા. જો કે દાયકાઓ જુના બનેલા સરકારી આવાસો જર્જરીત બની જતા સરકાર દ્વારા તબક્કાવાર જમીન દોસ્ત કરી સાત માળના ફ્લેટ ટાઈપનાં આવાસો બનાવવામાં આવી રહ્યા છે. ગાંધીનગરની સ્થાપના બાદ તબક્કાવાર 13 હજાર જેટલા આવાસો સેક્ટર-7, 8, 12, 13, 16, 17, 19, 20, 21, 23 સહિતના સેક્ટરોમાં બન્યા હતા. જો કે પાંચેક દાયકા જુના આવાસો હવે જર્જરીત થઈ જતાં તબક્કાવાર તોડીને નવા ફ્લેટ ટાઈપ આવાસ બની રહ્યાં છે. અગાઉ બે કે ત્રણ માળના આવાસોની જગ્યાએ હવે 7 માળના ફ્લેટ ટાઈપ આવાસ બની રહ્યાં છે. ઓછી જગ્યામાં વધુ આવાસો બનતા હોવાથી પાટનગરમાં વિવિધ સેક્ટરોમાં વિશાળ જગ્યાઓ ખુલ્લી થશે. ત્યારે જગ્યાઓની સુરક્ષા સાથે દબાણ, ગંદકીનું દુષણ ન વધે, મોટા પાયે વૃક્ષારોપણ થઈ શકે તે માટે ફેન્સિંગ મારી દેવાનું આયોજન કરાયું છે. હાલ સેક્ટર-12 અને સેક્ટર-16 ખાતે ખુલ્લી થયેલી જગ્યાઓ પર અંદાજે 12 લાખના ખર્ચે ફેન્સિંગ મારવાની કામગીરી હાથ પર લેવાશે. તેમજ આગામી સમયમાં અન્ય સેક્ટરોમાં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવશે.