આપણી વચ્ચે એક એવા સંગ્રાહક છે જે જ્ઞાન અને માહિતીનો સંગ્રહ કરે છે, નામ છે...
- શું તમારે છેક 1900ના વર્ષમાં કોઈ સામયિકમાં છપાયેલી કોઈ વિગત મેળવવી છે?
- શું તમારે વિજ્ઞાન, રમતગમત, સિનેમા, સાહિત્ય, બાળ સાહિત્ય - વિશે વર્ષો કે દાયકાઓ પહેલાં પ્રકાશિત માહિતી જોઈએ છે?
- શું તમે 600 પ્રકારનાં 35,000થી વધુ સામયિકોનો સંગ્રહ એક જગ્યાએ જોયો છે?
અલકેશ પટેલઃ અમદાવાદ, 25 નવેમ્બર, 2025: A collector among us who collects knowledge and information ચલણી સિક્કા, ચલણી નોટો, ટપાલ ટિકિટ, કોડી, શંખ, ફાઉન્ટન પેન (ઈન્ક પેન)...એવી કેટલીય વસ્તુઓના કલેક્ટર અર્થાત સંગ્રાહકો વિશે સૌએ જાણ્યું, વાંચ્યું, સાંભળ્યું હશે. બલ્કે એવા સંગ્રાહકોના તો સંગઠન પણ હોય છે અને નિયમિત રીતે માહિતીની આપ-લે કરતા હોય છે.
પરંતુ શું તમે એવી કોઈ વ્યક્તિ વિશે જાણ્યું, વાંચ્યું, સાંભળ્યું છે જેમને ભારતમાં પ્રકાશિત થતાં સામયિકોનો સંગ્રહ કરવાનો શોખ હોય?
તો ચાલો આજે એ વ્યક્તિ અને તેમના સામયિકો તેમજ પુસ્તકોના સંગ્રહ વિશે જાણો.
આવા વિશિષ્ટ સંગ્રાહક - કલેક્ટર છે નરેશભાઈ દુદાણી. નરેશભાઈ દુદાણી મૂળે પત્રકાર. વર્ષો સુધી અમદાવાદમાં ઈન્ડિયન એક્સપ્રેસ અખબારમાં સિનિયર હોદ્દા પર કામગીરી કામગીરી કરીને 2014માં નિવૃત્ત થયેલા નરેશભાઈ દુદાણી સામયિકોના આવા ઉમદા સંગ્રાહક હશે એ તો મારા જેવા 1990ના દાયકામાં તેમની સાથે (અર્થાત ઈન્ડિયન એક્સપ્રેસ જૂથના ગુજરાતી અખબાર જનસત્તામાં) કામ કરી ચૂકેલા ઘણા પત્રકારોને પણ ખબર નહોતી.

દુદાણીસાહેબના આવા અદ્દભૂત શોખ અને તેમના સંગ્રહ વિશે જાણકારી મળી અને શહેરમાં એરપોર્ટ નજીક સરદાર નગર વિસ્તારમાં તેમના નિવાસસ્થાનની મુલાકાત લીધી ત્યારે વિસ્મયનો પાર ન રહ્યો. રિવોઈ સાથેની આ વિશેષ મુલાકાતમાં તેમણે જણાવ્યું કે, તેમણે છેક 1967-68થી જ સામયિકોનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું હતું. એ સમય તેમની બાલ્યાવસ્થાનો હતો અને પિતા દ્વારા લાવી આપવામાં આવતાં બાળ સામયિકો વાંચ્યા પછી તેને પસ્તીમાં આપી દેવાને બદલે કે ગમે ત્યાં વેડફી નાખવાને બદલે એ બાળ સામયિકોને માવજતથી સાચવવાની શરૂઆત કરી હતી.
ત્યારથી લઈને અત્યાર સુધીમાં અર્થાત પાંચ દાયકા કરતા વધુ સમયથી નરેશભાઈ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષાના શક્ય એટલા વધુ સામયિકો મેળવતા અને તેનો સંગ્રહ કરી રહ્યા છે.
નરેશભાઈ દુદાણી 600 પ્રકારના 35,000થી વધુ સામયિકનો સંગ્રહ ધરાવે છે. તેમાં સાહિત્ય, ફિલ્મ, સ્પોર્ટ્સ, કૉમિક્સ, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તેમની પાસે ટૂંકી વાર્તાઓ, જીવનકથા-આત્મકથાનાં પુસ્તકોનો પણ વિશિષ્ટ સંગ્રહ છે. સચિન તેંડુલકર વિશેના ઓછામાં ઓછાં પાંચ-સાત પુસ્તકો તેમણે માવજતથી જાળવ્યાં છે.
નોંધપાત્ર બાબત એ છે કે, તેમણે તેમના આ તમામ સંગ્રહની એક યાદી અર્થાત અનુક્રમણિકા પણ બનાવી છે જેથી કોઈ ચોક્કસ મેગેઝિનમાં પ્રકાશિત કોઈ લેખ કે માહિતી જોઈતી હોય તો તેમનો સંપર્ક કરીને તેમના ઘરે મુલાકાત લઈને એ માહિતી મેળવી શકે છે. રિવોઈ સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે કે, તેમની પાસે ધર્મયુગ, સાપ્તાહિક હિન્દુસ્તાન, સારિકા, કાદમ્બિની, આઉટલૂક (હિન્દી), ધ ઈલસ્ટ્રેટેડે વીકલી ઑફ ઈન્ડિયા, ફિલ્મફેર, ફેમિના, વનિતા, જાગરણ સખી, સ્પોર્ટ્સ વીક, સ્પોર્ટ્સ સ્ટાર જેવા સામયિકોનો માતબર સંગ્રહ છે.
નરેશભાઈએ ગુજરાતી સામયિકો પણ માવજતથી જાળવી રાખ્યાં છે. તેઓ ખાસ કરીને તમામ ગુજરાતી પ્રકાશનોના દિવાળી અંક અચૂક મેળવી લે છે.

સૌથી જૂના સામયિકો:
દુદાણીસાહેબ પાસે સરસ્વતી સામયિકના છેક 1900ના વર્ષના કેટલાક અંક ઉપલબ્ધ છે. આ જ સામયિકના 1930થી 1940ના અંકો તેમણે મેળવી લીધેલા છે. તેમની પાસે ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયાનો છેક 1941નો અંક પણ ઉપલબ્ધ છે. આ સામયિક 1880માં શરૂ થયું હતું અને 1993માં બંધ પડી ગયું હતું. નરેશભાઈ પાસે આ ઉપરાંત ધર્મયુગના કેટલાક અંક છેક 1950ના ઉપલબ્ધ છે. તો નવયુગ સામયિકના પણ 1932ના અંક તેમણે રાખ્યા છે.
સંશોધન માટે ઉપયોગી:
પ્રશ્ન એ હતો કે આવો માતબર સંગ્રહ કોઈને ઉપયોગી થાય ખરો? થાય તો કેવી રીતે થાય? તેના જવાબમાં તેમણે રિવોઈને જણાવ્યું કે, પોતે સોશિયલ મીડિયા દ્વારા તેમના આ સંગ્રહ વિશેની જાણકારી શૅર કરતા રહે છે અને ઘણા લોકો તે વાંચ્યા પછી કોઈ ચોક્કસ સામયિક વિશે અથવા તેમાં પ્રકાશિત લેખ અથવા ફોટોગ્રાફ માટે પૂછપરછ કરે છે. તેઓ કહે છે કે, મેં આ બધું વેચવા માટે સંગ્રહ કર્યું નથી એટલે જેમને જરૂર હોય તે મારો સંપર્ક કરીને મારી પાસે આવે તો એમને જરૂરી માહિતી ફોટો પાડીને અથવા અન્ય રીતે લઈ જઈ શકે છે.
સૌથી ખાસ વાત એ છે કે, બિહારનો એક યુવક આકાશ દિલ્હીની યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરતો હતો. તેનો વિષય મહિલાઓ વિશેના સામયિકોનો હતો. તેને મારા સંગ્રહની જાણકારી મળી અને ઘણા દિવસ સુધી મારા ઘરે બેસીને તેનું સંશોધન કાર્ય કર્યું જે હવે તેના પીએચ.ડી.ના થિસીસ રૂપે પ્રકાશિત પણ થયું છે. આ ઉપરાંત પણ ઘણા લેખકો તેમના લેખનાં લેખન અથવા પુસ્તકમાં ખૂટતી માહિતી મેળવવા મારો સંપર્ક કરે છે અને મોટાભાગે તેમને જોઈતી સામગ્રી મારી પાસેથી મળી રહે છે.
શું આ સંગ્રહ કાયમી જાળવવા કોઈ વ્યવસ્થા ગોઠવી છે?
વર્તમાન સમયમાં આ પ્રશ્ન સૌથી અગત્યનો છે. નરેશભાઈના કહેવા મુજબ, આ તમામ અંકોનું ડિજિટલાઈઝેશન થવું જોઈએ. જોકે તેમની પાસે આ માટેની વ્યવસ્થા અને ભંડોળ પણ નથી. અલબત્ત, પોતે નાના પાયે ફોટો આલ્બમ બનાવતા રહે છે જેથી કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને કમ સે કમ ફોટા દ્વારા જરૂરી સામગ્રી મોકલી શકાય. જોકે, થોડા સમય પહેલાં દિલ્હીની સંસ્થા સેન્ટર ફૉર ડેવલપમેન્ટલ સ્ટડીઝ દ્વારા મારી તમામ સામગ્રીનું ડિજિટલાઈઝેશન કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. જો એ કામ થશે તો જ્ઞાન અને માહિતીનો આ વિશાળ સંગ્રહ તમામ લોકોને સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે.
કોણ સંભાળશે આ વારસો?
નરેશભાઈ કહે છે કે, ડિજિટલાઈઝેશન થઈ જશે તો ઘણું મોટું કામ થશે. પરંતુ એ સિવાય તેમની દીકરીએ પિતાનો આ વારસો જાળવવાની જવાબદારી લીધી હોવાનું તેઓ ગૌરવપૂર્વક જણાવે છે.
તમારે નરેશભાઈનો સંપર્ક કરવો હોય તો શું કરશો?
આવા અમૂલ્ય વારસાનો કોઈ લાભ લેવા માગે તો નરેશભાઈ દુદાણીને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક ઉપર Naresh Dudani ( https://www.facebook.com/naresh.dudani1 ) સર્ચ કરી શકાય અને ઈન્સ્ટાગ્રામ ઉપર @madaboutmags ( https://www.instagram.com/madaboutmags/ ) ઉપર ફૉલો કરી શકે છે અને ત્યાંથી જ તેમનો સંપર્ક પણ કરી શકે છે.