મહુવા માર્કેટિંગ યાર્ડમાં વાહનોમાંથી સફેદ ડુંગળી સીધુ વેચાણ કરી ખર્ચ અને સમય બચાવાશે
- સફેદ ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડુતોએ વિરોધ કર્યો હતો
- ખેડૂતો સફેદ ડુંગળી લાવ્યા હશે તે વાહનમાં ડુંગળીનો જથ્થો ડિહાઈડ્રેશન માટે મોકલાશે
- ખેડૂતોએ એક વાહનમાં સફેદ ડુંગળીનો એક સરખો વક્કલ લાવવા અપીલ કરાઈ
ભાવનગરઃ ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. એમાં મહુવા તાલુકો ડુંગળીના ઉત્પાદમાં મોખરે છે. મહુવા યાર્ડમાં હાલ સફેદ ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે. ત્યારે સફેદ ડુંગળીના ઘટતા જતાં ભાવને કાબૂમાં લેવા માટે યાર્ડના સત્તાધિશોએ ડીહાઈડ્રેશન ઉદ્યોગકારો અને કમિશન એજન્ટો સાથે યોજેલી બેઠકમાં ખેડૂતો અને વેપારીઓ બન્નેના હિતમાં જે વાહનમાં ડુંગળી લાવવામાં આવી હોય તે જ વાહનમાં તેનું સીધું વેચાણ કરી સમય અને ખર્ચનો બચાવ કરવાનો નિર્ણય લીધો છે.
મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને પદાધિકારીઓ તેમજ ડીહાઈડ્રેશન ઉદ્યોગકારો, કમિશન એજન્ટો વચ્ચે બેઠક મળી હતી. જેમાં પીક સિઝન સુધી સફેદ ડુંગળીના વેચાણ માટે ખેડૂતો જે વાહનમાં કાંદા લઈને આવે ત્યારે તેને યાર્ડમાં ઉતારે અને તેનું વેચાણ કરી ફરી અન્ય વાહનમાં નજીકના ડીહાઈડ્રેશનમાં મોકલવાની પ્રથા અમલી છે જેના કારણે ખેડૂત અને વેપારી સહિતના સમય અને ખર્ચમાં વધારો થાય છે. જેના બદલે ખેડૂતને ડુંગળીના ભાવ મળી રહે તે માટે જે વાહનમાં ખેડૂતો સફેદ ડુંગળી લઈને આવે છે તે વાહનમાં જ તેનું વેચાણ કરવા નિર્ણય લેવાયો છે. આમ થવાથી આવક પ્રમાણસર થશે અને દરરોજ આવક લઈ શકાતી હોય, ભાવોમાં સુધારો આવશે તેવો મત રજૂ કરાયો હતો.
મહુવા માર્કેટ યાર્ડમાં આજે તા.23ને બુધવારથી સાંજે 6થી સવારે 9 કલાક સુધી સફેદ કાંદાની આવકને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે. યાર્ડમાં પાર્ક કરેલા વાહનમાં સફેદ ડૂંગળીની હરાજી થવાની હોય, ખેડૂતોએ એક વાહનમાં એક સરખો વક્કલ લાવવો, હરાજી પહેલા નમૂનાની ત્રણ થેલીને નિશાન કરી ખાલી કરી રાખવાની રહેશે. સેમ્પલ ફેર માલ નીકળે તો તે વક્કલ કેન્સલ કરાશે. વાહનધારકોએ સફેદ ડુંગળીનો માલ કારખાના સુધી પહોંચતો કરવાનો રહેશે. તેના માટે ૧૦ કિ.મી. ઉપરનું ભાડું અને કાંદાની ઉતરાઈ કારખાનેદારે તેમજ ટેકાઈ ગાડીવાળા અથવા ખેડૂતે ચૂકવવું પડશે. હરાજીની ગાડી તે જ દિવસે ખાલી કરવી, યાર્ડના નિયમ મુજબ તોળાઈ (વે-બ્રીજ) ખર્ચ ખરીદનારને આપવાનો રહેશે. સફેદ બદલાની હરાજી ન કરવાની હોવાથી પ્રવેશ આપવામાં આવશે નહીં તેમ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે.
મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીના ઘટી રહેલા ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન થઈ રહ્યું છે. જેને લઈ ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા આજે મંગળવારે ખેડૂતોનું સંમેલન યોજી આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. આ મિટીંગમાં ખેડૂત આગેવાનોએ એક કિલો ડુંગળીએ રૂા.10ની સહાય આપવા માંગણી કરી હતી. જ્યારે ખેડૂતોને એક થવા અને સફેદ કાંદા રૂા.૨૦૦થી નીચે નહીં વેચવા હાંકલ કરી હતી.