ગુજરાતમાં માવઠાને લીધે કૃષિપાકને થયેલા નુકસાન માટે 10 હજાર કરોડના વળતરની જાહેરાત
- CM ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી આપી માહિતી,
- માવઠાને લીધે મગફળી, કપાસ સહિતના પાકને સારૂએવુ નુકસાન થયુ હતુ,
- ખેડૂતોને ત્વરિત સહાય મળે તે માટે વ્યવસ્થા ગોઠવાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદને લીધે કૃષિપાકને સારૂએવુ નુકસાન થયુ હતું. આથી ખેડૂતોમાં વળતરની માગ ઊઠતા રાજ્ય સરકારે એક સપ્તાહમાં સર્વે કરાવવાનો નિર્ણય લીધો હતો. સરકારને સર્વેનો રિપોર્ટ મળી જતા સરકારે ખેડૂકો માટે 10 હજાર કરોડના વળતરની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી હતી.

ગુજરાતમાં કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિમંત્રી અને નાણામંત્રી સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ CM ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપીને પાક નુકસાની માટે 10 હજાર કરોડની રાજ્ય સરકારની જાહેરાત કરી છે.
કૃષિ રાહત પેકેજની અંતિમ સમીક્ષા બેઠક આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ કૃષિ રાહત પેકેજની અંતિમ સમીક્ષા કરવાનો છે. સૂત્રોના કહેવા મુજબ, સરકાર પેકેજના માપદંડો, સહાયની રકમ અને નાણાકીય જોગવાઈઓને અંતિમ રૂપ આપશે, જેથી ખેડૂતોને ઝડપથી સહાય મળી શકે. રાજ્ય સરકાર ખેડૂતોને ઐતિહાસિક રાહત આપવા માટે તૈયાર હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જરૂરી હોય તો નિયમોમાં ફેરફાર કરીને પણ સહાય આપવાનો નિર્ણય લેવાઈ શકે છે.
કૃષિમંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સર્વેનો રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ ચૂક્યો છે. એસડીઆરએફનાં ધોરણો મુજબ ખેડૂતોને સહાય ચૂકવવા માટે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી છે અને રાજ્ય સરકારના ભંડોળમાંથી પણ સહાય ચૂકવવાની વિચારણા ચાલી રહી છે. લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16 હજાર ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે.