એક સૈનિક માટે શારીરિક શક્તિ મૂળભૂત છે, ત્યારે માનસિક તાકાત પણ એટલી જ મહત્ત્વપૂર્ણ: રાજનાથસિંહ
નવી દિલ્હીઃ રાજસ્થાનના માઉન્ટ આબુમાં બ્રહ્મા કુમારી મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, "યુદ્ધની આજની સતત વિકસતી પ્રકૃતિમાંથી ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા માટે, આપણા સૈનિકોએ માનસિક સ્થિરતા અને આધ્યાત્મિક સશક્તિકરણમાં સમાન રીતે નિપુણ હોવા સાથે લડાઇની કુશળતામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવો જોઈએ." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે સાયબર, અંતરિક્ષ, માહિતી અને મનોવૈજ્ઞાનિક મોરચે યુદ્ધો થઈ રહ્યાં છે તથા સૈનિકોને માનસિક રીતે મજબૂત બનાવવાની જરૂર છે, કારણ કે દેશનું રક્ષણ ફક્ત શસ્ત્રોથી જ નહીં, પણ મજબૂત વ્યક્તિત્વ, પ્રબુદ્ધ ચેતના અને જાગૃતિ સાથે પણ થઈ શકે છે.
રાજનાથ સિંહે ધ્યાન દોર્યું હતું કે, જ્યારે એક સૈનિક માટે શારીરિક શક્તિ મૂળભૂત છે, ત્યારે માનસિક તાકાત પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે, સૈનિકો મુશ્કેલ સ્થિતિમાં સેવા આપીને રાષ્ટ્રની સુરક્ષા કરે છે અને આ પડકારોનો સામનો મજબૂત આંતરિક-સ્વમાંથી પેદા થયેલી ઊર્જા મારફતે થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, લાંબા સમય સુધી ચાલેલા તણાવ, અનિશ્ચિતતા અને મુશ્કેલ િસ્થતિમાં કામ કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે, જે આંતરિક સ્વને મજબૂત કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, સૈનિકોના માનસિક સ્વાસ્થ્યને વેગ આપવા માટે બ્રહ્માકુમારીનું અભિયાન એ દિશામાં પ્રશંસનીય પગલું છે.
સંરક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે, વર્તમાન વૈશ્વિક ભૂ-રાજકીય દૃશ્યને ધ્યાનમાં રાખીને આ પહેલ સૈનિકોના દિમાગને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "'સ્વ-સશક્તિકરણ - આંતરિક જાગૃતિ મારફતે' અભિયાનની થીમ આજના સમયમાં અત્યંત રસપ્રદ અને સુસંગત છે. ધ્યાન, યોગ, સકારાત્મક વિચારસરણી અને આત્મ-સંવાદના માધ્યમથી સ્વ-પરિવર્તન આપણા બહાદુર સૈનિકોને માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરશે. સ્વ રૂપાંતરણ એ બીજ છે, રાષ્ટ્રીય પરિવર્તન તેનું ફળ છે. વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં, ભારત એ સંદેશ ફેલાવી શકે છે કે આંતરિક-સ્વ અને સરહદોનું રક્ષણ એકસાથે શક્ય છે, "તેમણે જણાવ્યું હતું.
રાજનાથ સિંહે આધ્યાત્મિકતા અને યોગને માનસિક સ્વસ્થતા વધારવા તથા તણાવ, ચિંતા અને ભાવનાત્મક અશાંતિનો સામનો કરવા માટેનું સૌથી મોટું માધ્યમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સતર્ક અને મજબૂત સુરક્ષા કર્મચારીઓ દેશ માટે દીવાદાંડી બની જાય છે, જે કોઈ પણ પ્રકારનાં તોફાનનો સામનો દ્રઢતા સાથે કરી શકે છે. તેમણે બ્રહ્માકુમારી સંગઠનની સુરક્ષા સેવા પાંખને રહેણાંક, ક્ષેત્ર અને ઓનલાઇન કાર્યક્રમો, વિશેષ અભિયાનો અને ફોર્સ સ્પેસિફિક પ્રોજેક્ટ્સ મારફતે સુરક્ષા દળોને પ્રોત્સાહન આપવા બદલ બિરદાવી હતી.
આ કાર્યક્રમનાં ભાગરૂપે સંરક્ષણ મંત્રાલયનાં ભૂતપૂર્વ સૈનિકોનાં કલ્યાણ વિભાગ અને સંરક્ષણ મંત્રાલયનાં મુખ્યમથક એસએસડબ્લ્યુ, રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ઑફ બ્રહ્મા કુમારી વચ્ચે શ્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયાં હતાં. તેનો ઉદ્દેશ એક્સ-સર્વિસમેન કોન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમ (ઇસીએચએસ)ના લાભાર્થીઓને વધુ સારું માનસિક સ્વાસ્થ્ય હાંસલ કરવા અને દવાઓની નિર્ભરતા ઘટાડવા માટે માર્ગદર્શન આપવાનો છે.