સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં 15મી માર્ચથી ચિચાઈ માટેનું પાણી નહીં મળે
- ઝાલાવાડના 300 ગામો ઉપરાંત કુલ 5 જિલ્લામાં પાક પર ખતરો સર્જાશે
- અગાઉ કેનાલના ભરોસે ઉનાળુ વાવેતર ન કરવા તંત્રએ અપીલ કરી હતી
- કેનાલોની સફાઈ અને પમ્પિંગ સ્ટેશનની મરામત કરાશે
સુરેન્દ્રનગરઃ જિલ્લામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થઈને છેક કચ્છ સુધી જાય છે, નર્મદા કેનાલ અને તેની પેટા કેનાલોને લીધે સુરેન્દ્રનગર જિલ્લાની સુક્કીભઠ્ઠ ગણાતી જમીન નંદનવન સમી બની ગઈ છે. આ ઉપરાંત આજુબાજુના ત્રણ જિલ્લાઓને પણ નર્મદાની પેટા કેનાલથી પાણી પહોંચાડવામાં આવે છે. નર્મદા કેનાલ અને પમ્પિંગ સ્ટેશનની મરામત માટે 15મી માર્ચથી કેનાલમાં પાણી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેથી ખેડુતોને સિંચાઈ માટે મુશ્કેલી પડશે.
સૌરાષ્ટ્ર - કચ્છમાં નર્મદાનું પાણી પુરૂ પાડતી કેનાલોમાં તા 15 માર્ચથી પાણી વહેવડાવવાનું બંધ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર - કચ્છને પાણી પુરૂ પાડતા ધોળીધજા ડેમ પીવાના પાણી માટે છલોછલ કરાયો છે. પરંતુ સિંચાઇ માટે કેનાલમાંથી પાણી ઊપાડી શકાશે નહીં. સુરેન્દ્રનગર જિલ્લાના 300 ગામો ઉપરાંત બોટાદ, મોરબી, ભાવનગર રાજકોટ સહિત પાંચ જિલ્લામાં ધરતીપુત્રો પર પડ્યા પર પાટુ જેવા હાલ થશે. આથી કેનાલના ભરોસે ઉનાળુ કે અન્ય વાવેતર ન કરવા તાકીદ નર્મદા નિગમે કરી છે .
ઝાલાવાડ એ વર્તમાન સમયે સૌરાષ્ટ્ર અને કચ્છનું પાણીયારૂ કહેવામાં આવે છે. રાજયમાં નર્મદાના નીરનો સૌથી સારો લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે.અને આથી જ જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં પણ વધારો થયો છે. ત્યારે 15મી માર્ચથી કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોને મુશ્કેલી પડશે. જોકે સુરેન્દ્રનગર સહિત 5 જિલ્લાઓને પીવાનું પાણી ધોળીધજા ડેમમાંથી વિતરણ થાય છે. પીવાના પાણી માટે કોઇ તકલીફ ના પડે તે માટે ધોળીધજા ડેમને છલોછલ કરાયો હતો. આથી પીવાના પાણીની કોઇ મુશ્કેલી સર્જાય તેમ નથી. હાલ ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી બંધ કરાતા પાણી 2 દિવસમાં 0 લેવલે થઇ જશે. આથી ઢાંકીથી ધોળીધજા સુધીના 5 પમ્પિંગ સ્ટેશન રીપેરીંગ કરાશે. 5 મુખ્ય કેનાલની સફાઇ કરાશે. ત્યારબાદ પેટાકેનાલોની સફાઇ કરવામાં આવશે.