વાપીમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) કચેરીના બે અધિકારીઓ લાંચ લેતા પકડાયા
- ફૂલછોડના કુંડાના પુરવઠા માટે બિલની મંજૂરી આપવા રૂ. 2,000ની લાંચ માગી હતી,
- સીજીએસટીની કચેરીમાં એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા પકડી લીધા,
વાપીઃ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લાંચ માગવાના બનાવો વધતા જાય છે. ત્યારે વાપીમાં સેન્ટ્રલ જીએસટીના બે અધિકારીઓને રૂપિયા 2000ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવી સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) કચેરીના બે અધિકારીઓને તેમની કચેરીમાં લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિકે ACBનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી. ફરિયાદ મુજબ, વાપી CGST કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર કપિલ નટવરલાલ જૈન (ઉં.વ. 35) અને સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર રવિશંકર શ્યામાકાંત ઝા (ઉં.વ. 47) એ ફૂલછોડના કુંડાના પુરવઠા માટેના બિલની મંજૂરી આપવા માટે રૂ. 2,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBને જાણ કરી હતી. ત્યારબાદ ACBની ટીમે 14 ઓક્ટોબર, 2025ના રોજ ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપ વાપી CGST કચેરીના ચોથા માળે આવેલી કપિલ જૈનની ઓફિસમાં કરવામાં આવી હતી, જ્યાં બંને અધિકારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
આરોપી કપિલ જૈને ફરિયાદી પાસેથી રૂ. 2,000ની લાંચ સ્વીકારી હતી, જ્યારે રવિશંકર ઝા લાંચની માંગણીમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ACBની ટીમે સ્થળ પરથી લાંચની રકમ રૂ. 2,000 રિકવર કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.