For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મહિસાગર પરનો ગંભીરા બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવા ગ્રામજનોની માગ

05:02 PM Aug 12, 2025 IST | Vinayak Barot
મહિસાગર પરનો ગંભીરા બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવા ગ્રામજનોની માગ
Advertisement
  • પાદરા અને આંકલાવ તાલુકાના 30થી વધુ ગામોનો વ્યવહાર ખોરવાઇ જતાં ભારે હાલાકી,
  • ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી,
  • બ્રિજ તૂટતા ખાનગી કંપનીમાં નોકરી કરતાં 4700 યુવકોને નોકરી છોડવી પડી,

વડોદરાઃ પાદરા નજીક હાઈવે પર મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ 35 દિવસ પહેલા તૂટી જતા 22 લોકોનો ભોગ લેવાયો હતો. ગંભીરા બ્રિજ તૂટી જતા પાદરા અને આંકલાવ તાલુકાના 30થી વધુ ગામોનો વ્યવહાર ખોરવાઇ ગયો હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો છે. ત્યારે ગ્રામજનોએ એકઠા થઈને બ્રિજ નવો ન બને ત્યાં સુધી લોકો આવન-જાવન કરી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી

Advertisement

મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 35 દિવસ થઈ ગયા છે. બ્રિજ બંધ હોવાના કારણે વડોદરા અને આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓ, નોકરી -ધંધાર્થીઓ તેમજ સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ત્યારે આ બ્રિજ નવો ન બને ત્યાં સુધી લોકો આવન-જાવન કરી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી સાથે જિલ્લા પંચાયત સભ્યની આગેવાનીમાં તાલુકાના અગ્રણીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તે સાથે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી કે, બે દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગંભીરા ચોકડી ખાતે 14 ઓગસ્ટે ઉગ્ર જન આંદોલન કરવામાં આવશે.

ગંભીરા બ્રિજ તૂટી જતા પાદરા અને આંકલાવ તાલુકાના 30થી વધુ ગામોનો વ્યવહાર ખોરવાઇ ગયો છે . જેમાં આંકલાવ, બોરસદ અને ખંભાત તાલુકાના છેવાડાના ગામોના બદલપુર, ધુવારણ, દહેવાણ,બામણગામ, ગંભીરા, નવાપુરા, ઉમેટા સહિતના ગામોમાંથી પાદરા જીઆઇડીસી ખાનગી કંપનીમાં નોકરી કરતાં 4700થી યુવકોને નોકરી છોડવાનો વખત આવ્યો છે. આ ઉપરાંત બંને તાલુકા એકબાજાનાં ગામો અભ્યાસ કરતાં 3 હજારથી વધુ વિદ્યાર્થીને સ્કૂલ બદલવા ફરજ પડી છે. તેમજ દૈનિક 70 ટન શાકભાજીનો વ્યવહાર અટવાય જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

Advertisement

વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય હર્ષદસિંહ પરમારે જણાવ્યું હતું કે, PWDની નિષ્કાળજીના કારણે વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો મુજપુર -ગંભીરા બ્રિજ તૂટી જવાની દુર્ઘટનાને એક માસ થઈ ગયો છે. બ્રિજ તૂટી જવાથી મધ્ય ગુજરાતના વડોદરા-આણંદ જિલ્લાનાં વિદ્યાર્થીઓ, નોકરી -ધંધાર્થીઓ તેમજ સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આજે અમે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે, જ્યાં સુધી નવો બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરો. જો બે દિવસમાં સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો 14 ઓગસ્ટે ગંભીરા ચોકડી ખાતે જન આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા મુજપુર-ગંભીરા બ્રિજ નવો બનાવવા માટે રૂપિયા 212 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ બ્રિજ આગામી દોઢ વર્ષમાં તૈયાર કરવાનું આયોજન છે. ત્યારે આ બ્રિજ નવો બનાવવામાં આવે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

Advertisement
Tags :
Advertisement