VIDEO: મહિલાએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઈલેક્ટ્રીક કિટલીમાં મેગી બનાવી અને પછી જે થયું...
નવી દિલ્હી, 22 નવેમ્બર, 2025: Woman made Maggi in electric kettle while traveling in train સોશિયલ મીડિયામાં વાયરલ થવા લગભગ રોજેરોજ અનેક લોકો જાતજાતનાં ગતકડાં કરતા હોય છે. આવા મોટાભાગનાં ગતકડાં મનોરંજન માટે અને નિર્દોષ હોય છે, પરંતુ કેટલાંક ગતકડાં વ્યક્તિના પોતાના માટે તેમજ વ્યાપક સમાજ માટે નુકસાનકારક પણ હોય છે.
આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે રેલવેએ એક મહિલા સામે કાનૂની પગલાં લેવાની ચીમકી આપી છે.
વાત એમ છે કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક મહારાષ્ટ્રીયન મહિલાએ ચા બનાવવાની ઈલેક્ટ્રીક કિટલીમાં મેગી બનાવી. ચાલુ ટ્રેને એસી કોચમાં મોબાઈલ ચાર્જિંગના પ્લગમાં આ મહિલાએ ઈલેક્ટ્રીક કિટલી ચાલુ કરી અને તેમાં મેગી બનાવી. આ સમયનો વીડિયો મહિલાના પરિવારના જ કોઈ સભ્ય દ્વારા બનાવવામાં આવી રહ્યો હતો અથવા કોઈ સાથે મુસાફર દ્વારા બનાવવામાં આવી રહ્યો હતો. અને મહિલા પોતાના આ "પરાક્રમ" વિશે જાણે ગૌરવથી વાત કરતી હતી અને મેગી બનાવવાની સામગ્રી તેમજ રીતની પણ ચર્ચા કરતી હતી.
જુઓ વીડિયો:
આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ મધ્ય રેલવેના ધ્યાનમાં વાત આવી હતી. મધ્ય રેલવેના સત્તાવાર X હેન્ડલ ઉપરથી આ અંગે સખત ચેતવણી ઉચ્ચારવામાં આવતા કહેવામાં આવ્યું કે, ચાલુ ટ્રેને મેગી બનાવનાર અને અન્ય સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. મધ્ય રેલવેના એક્સ હેન્ડલ ઉપર સાથે એ પણ જણાવવામાં આવ્યું કે, ટ્રેનમાં ઈલેક્ટ્રીક કિટલીનો ઉપયોગ કરવો એ અસુરક્ષિત, ગેરકાયદે અને સજાને પાત્ર અપરાધ છે.
મધ્ય રેલવેએ વધુમાં જણાવ્યું કે, આવું કરવાથી ટ્રેનમાં આગ લાગી શકે છે અને અન્ય મુસાફરો માટે જોખમી સાબિત થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ આવું કરવાથી ટ્રેનનો વીજ પુરવઠો ખોરવાઈ શકે છે અને એસી તેમજ ટ્રેનના અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોની કામગીરીને નુકસાન પહોંચી શકે છે. મુસાફરોને આવાં જોખમી કૃત્યો ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો તેમના ધ્યાનમાં આવી કોઈ બાબત આવે તો તત્કાળ સંબંધિત સત્તાવાળાઓને જાણ કરવાની વિનંતી કરવામાં આવે છે, જેથી સલામતીનાં પગલાં લઈ શકાય.