અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાણી ભરાતા વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં ભંગ પડ્યો
- ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા,
- તંત્ર દ્વારા પંપ મૂકીને પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી,
- આજે વરસાદ પડશે તો ખેલૈયાઓની ગરબા રમવાની મજા બગડી શકે છે
અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાતા નવરાત્રીના રંગમાં ભંગ પડ્યો છે. જેમાં શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પર વરસાદના પાણી ભરાય જતા વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને અસર થઈ હતી. ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ જતા ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે. જોકે, તંત્ર દ્વારા પંપ મૂકીને પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રવિવારે વરસાદના કારણે મોટા ભાગના સ્થળો પર ગરબા થઈ શક્યા નહતા. જો આજે સોમવારે ગ્રાઉન્ડ પર ભરાયેલા પાણીનો નિકાલ ના થાય તો ખેલૈયાઓની ગરબા રમવાની મજા બગડી શકે છે.
ગુજરાતમાં નવરાત્રીના તહેવારોના ટાણે જ વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા બે દિવસથી ઘણાબધા વિસ્તારોમાં અષાઢી માહોલ સર્જાયો છે. ખેલૈયાઓ નવરાત્રિની આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે. એમાં પણ અમદાવાદના લોકો નવરાત્રિ દરમિયાન ગરબા રમવા માટે અનેક તૈયારીઓ કરતા હોય છે. પરંતુ રવિવારે પડેલા વરસાદે ગરબા રમવા ઉત્સુક ખેલૈયાઓની મજા બગાડી દીધી છે. રવિવારે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ હતા. આજે ગરબા ગ્રાઉન્ડ પર જે વરસાદી પાણી ભરાયા છે તે કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે આજે પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે.
અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જો આજે પણ વરસાદ થાય તો ખેલૈયાઓની ગરબે ઘૂમવાની મજા બગાડી શકે છે. આજે સવારથી આકાશમાં ઘરઘોર વાદળો ગોરંભાયા છે. બીજીબાજુ વાતાવરણમાં ઉકળાટ પણ વધ્યો છે. હવામન વિભાગે વરસાદ પડવાની આગાહી પણ કરી છે.