અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં ધો.10 અને 12 માટે ઓફલાઈન શિક્ષણ શુક્રવારથી શરૂ કરાશે
- ઓફલાઇન શિક્ષણ શરૂ કરતા પહેલા બે ઓબ્ઝર્વર નિરીક્ષણ કરશે,
- શાળામાં સુરક્ષા કારણોસર છેલ્લા એક મહિનાથી ઓફલાઈન શિક્ષણ બંધ કરાયુ હતુ,
- બાળકોની સલામતીને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવશે.
અમદાવાદઃ શહેરના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના બનાવ બાદ ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતુ. એક મહિના સુધી ઓફલાઈન શિક્ષણને બદલે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું, આ અંગે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે વાલીઓની રજુઆત બાદ શુક્રવારથી ધોરણ 10 અને 12 માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. ઓફલાઈન શિક્ષણના પ્રારંભ પહેલા સરકારે નિમેલા વર્ગ-2 કક્ષાના બે ઓબ્ઝર્વર શાળાનું નિરિક્ષણ કરશે. પોલીસને પણ રૂબરૂ મળીને જાણ કરવામાં આવશે,
અમદાવાદની ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં મહિના પહેલા સામાન્ય બાબાતમાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીની હત્યા કરી હતી. આ બનાવને પગલે ભારે હોબાળો મચ્યો હતો. અને શાળામાં સુરક્ષા કારણોસર છેલ્લા એક મહિનાથી ઓફલાઈન શિક્ષણની જગ્યાએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું, ત્યારે શુક્રવારથી સેવન્થ ડે સ્કૂલમાં ધો. 10 અને 12ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવામાં આવશે.
સેવન્થ ડે સ્કૂલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં થયેલી કાર્યવાહી મુજબ શુક્રવારથી સ્કૂલમાં ધો. 10 અને 12ના ક્લાસ શરૂ કરવામાં આવશે. આ માટે સરકારે નિમેલા વર્ગ-2 કક્ષાના બે ઓબ્ઝર્વર સ્કૂલ શરૂ થાય તે પહેલાં શાળાનું નિરિક્ષણ કરશે. પોલીસને પણ રૂબરૂ મળીને જાણ કરવામાં આવશે. બાળકોની સલામતીને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવશે.
આ અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના કહેવા મુજબ સેવન્થ ડે સ્કૂલમાં ધો. 10 અને 12ના ઓફલાઈન ક્લાસ શુક્રવારથી શરૂ થશે. ત્યાર બાદ ધીમે ધીમે બાકીના ક્લાસ ઓફલાઈન શરૂ કરવામાં આવશે. બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને ધો. 10 અને 12ના ક્લાસ શરૂ કરવામાં આવશે. સ્કૂલમાં અભ્યાસ કરતા 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, સરકાર દ્વારા નિમણૂક કરાયેલા બે ઓબ્ઝર્વર તે પહેલાં સ્કૂલમાં નિરીક્ષણ કરશે. સ્કૂલની સિક્યુરિટી એજન્સી બદલવા સૂચના આપી દેવાઈ છે. સ્કૂલના બાળકોના માનસિક કાઉન્સેલિંગ અને શિક્ષકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આકસ્મિક ઘટનાઓને પહોંચી વળવા પ્રાથમિક સારવારના સાધનો પણ રાખવા સ્કૂલોને સૂચના અપાઈ છે.