ઉત્તરાખંડઃ રુદ્રપ્રયાગ જિલ્લાના બરેથ ડુંગર ટોક વિસ્તારમાં વાદળ ફાટ્યું
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ખાસ કરીને ચમોલી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિતિ ગંભીર બની છે, જ્યાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે. ચમોલી જિલ્લાના મોપાટા ગામમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે. આ ઘટનામાં કાટમાળ નીચે દટાઈ જવાથી બે લોકો ગુમ થયા હોવાના અને અન્ય બે લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ ઉપરાંત, એક ગૌશાળામાં પણ 15 થી 20 જેટલા પશુઓ ફસાયા હોવાની આશંકા છે. કેટલાક પરિવારો પણ ફસાયા હોવાની જાણ થતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે.
બીજી તરફ, રુદ્રપ્રયાગ જિલ્લાના બરેથ ડુંગર ટોક વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને અધિકારીઓ પાસેથી તાત્કાલિક અપડેટ્સ મેળવી રહ્યા છે. ભારે વરસાદના કારણે શ્રીનગર અને રુદ્રપ્રયાગ વચ્ચેનો બદ્રીનાથ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ યથાવત હોવાથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.