સુરતઃ રાજ્યના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- પ્રથમ માળ સુધી ભારે વાહનો લઈ જઈ શકાય તેવા ટુ વે રેમ્પવાળી અદ્યતન બિલ્ડીંગમાં અત્યાધુનિક સુવિધાઓ
સુરત, 13 ડિસેમ્બર, 2025 Surat: state's first elevated market yard ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-સુરત દ્વારા નવનિર્મિત રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ એટલે કે પ્રથમ માળે ભારે વાહનો અવરજવર કરી શકે તેવા અદ્યતન માર્કેટયાર્ડનું આજે 13 ડિસેમ્બરને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સાથે સુરત એ.પી.એમ.સી. માર્કેટના આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણના ભાગરૂપે નિર્માણ પામેલા આ અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકો માટે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર કેન્દ્ર, બિયારણ વિતરણ કેન્દ્રનું પણ લોકાર્પણ થયું હતું.
ભારે વાહનો અને મોટી ટ્રકોની સરળ અવરજવર, એન્ટ્રી તથા એક્ઝિટના સુવ્યવસ્થિત આયોજનના કારણે ભવિષ્યમાં વર્ષો સુધી અવ્યવસ્થા ઊભી ન થાય એ પ્રકારના એલિવેટેડ સ્ટ્રક્ચરના નિર્માણ બદલ એપીએમસીને બિરદાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સુરત એપીએમસીએ વર્ષ ૧૯૫૧ માં માત્ર ૧૫ હજાર રૂપિયાની આવક સાથે કરેલી શરૂઆત આજે સહકારિતાના વટવૃક્ષમાં પરિવર્તિત થઈ છે.
સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ અને પારદર્શક વ્યવસ્થા, અહીં કૃષિ જણસોના વેચાણ માટે આવતા ખેડૂતોને આર.ટી.જી.એસ મારફતે ઓનલાઈન ચુકવણી જેવી સુવિધાઓ માટે અભિનંદન આપતાં મુખ્યમંત્રીએ આ સુવિધાના પરિણામે મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો અહીં પોતાની કૃષિ પેદાશો વેચવા માટે આકર્ષાયા છે તેની પણ પ્રશંસા કરી હતી.
દરરોજ ૧૨ થી ૧૫ હજાર લોકોની અવરજવર સાથે આ માર્કેટ યાર્ડ છેલ્લા બે વર્ષથી આવકની દૃષ્ટિએ ગુજરાતમાં પ્રથમ ક્રમે છે અને રાજ્યના અર્થતંત્રને મજબૂતી આપવામાં સિંહફાળો આપી રહ્યું છે એમ ગર્વથી તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને નવી સુવિધાઓ, આધુનિક વ્યવસ્થાઓ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળે અને તેમની આવક વધે તે હેતુથી રાજ્ય સરકાર અને સહકારી ક્ષેત્ર દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે. જેનું જીવંત ઉદાહરણ સુરતની એપીએમસી માર્કેટ છે. આ માર્કેટમાં આધુનિકતાની સાથે ખેડૂતલક્ષી સુવિધાઓ વ્યવસ્થાઓ ઊભી કરવા બદલ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્વાગત ઉદ્દબોધન કરતા ધારાસભ્ય અને સુરત એ.પી.એમ.સી.ના ચેરમેન સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત એ.પી.એમ.સી.માં દેશના ૧૫ રાજ્યોમાંથી ખેડૂતો, બાગાયતદારો શાકભાજી, ફળો જેવા પોતાના ઉત્પાદનો વેચવા આવે છે. અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ યાર્ડમાં ૧૦૦ ફૂટ પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે, જેથી ટેમ્પો, ટ્રક સીધા પહેલા માળે દુકાનોની સામે જ જઈ શકશે. આ સુવિધાથી કૃષિ પેદાશોને લાવવા-લઇ જવામાં સમય બચશે અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે, તેમજ કૃષિ જણસો વેપારીઓની દુકાનો પર સીધી જ ઉતારી શકાશે.
એલિવેટેડ માર્કેટ યાર્ડ માટે કેન્દ્ર સરકારે રૂ.૧૯ કરોડની સબસિડી આપી છે એમ જણાવી દેસાઈએ કહ્યું કે, માર્કેટમાં પ્રથમ માળે હાઈટેક ૧૦૮ દુકાનો ઉપલબ્ધ છે, જેમાં વિશાળ સ્ટોરરૂમ, માર્કેટમાં પ્રથમ માળ સુધી ખેડૂતો, વેપારીઓ વાહન લઈ જઈ શકે તેના માટે ટુ વે રેમ્પ, માલ સામાન લઈ જવાની લિફ્ટ, પેસેન્જર લિફ્ટ, RCC રોડ, પ્રથમ માળે ૨૦૦ કાર અને ૪૦૦૦ ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેવો પાર્કિંગ એરિયા, માર્કેડયાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકોને વિનામૂલ્યે પ્રાથમિક સારવાર કેન્દ્ર, ખેડૂત મિત્રો માટે બિયારણ વિતરણ કેન્દ્ર જેવી સુવિધા ખેડૂતો અને વેન્ડર્સ માટે ઉભી કરવામાં આવી છે.
આ પ્રસંગે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય સર્વ કુંવરજીભાઈ હળપતિ, ગણપતસિંહ વસાવા, મોહનભાઈ ઢોડીયા, ઈશ્વરભાઈ પરમાર, વિનોદભાઈ મોરડીયા, અરવિંદભાઈ રાણા, કાંતિભાઈ બલર, મનુભાઈ પટેલ, એપીએમસીના વાઈસ ચેરમેન હર્ષદ પટેલ, સુરત સહકારી સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ, સહકારી અગ્રણી રમણભાઈ જાની, APMC ડિરેક્ટરો, જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ, અગ્રણીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.