ઉત્તરપ્રદેશઃ આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર અકસ્માત, 5 લોકોના મોત
લખનૌઃ આગરા-લખનૌ એક્સપ્રેસ હાઇવે પર ઉભેલી ટ્રકને પાછળથી આવતી બસે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો. આ ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા 5 લોકોના મોત અને 9 મુસાફરો ઘાયલ થયા છે. એક મુસાફરોની હાલત ગંભીર છે. બસ મથુરાથી લખનૌ જઈ રહી હતી. આ દરમિયાન બસ ફિરોઝાબાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ બસમાં લગભગ 25 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં 8 બાળકો પણ સામેલ હતા.
પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો, જેના કારણે તેણે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને હાઈવે પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ પછી, ઘટનામાં ઘાયલ લોકોને ફિરોઝાબાદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને આગ્રા રિફર કરવામાં આવ્યો છે. ફિરોઝાબાદના નસીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ વે પર આ અકસ્માત જોવા મળ્યો હતો. આ પહેલા સહારનપુર જિલ્લાના ગંગોહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટો રોડ અકસ્માત જોવા મળ્યો હતો, જેમાં લગ્નમાંથી પરત ફરી રહેલા વરરાજાના ભાઈ અને ભાભીનું રોડ અકસ્માતમાં મોત થયું હતું તો અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.