ઈરાન વિરુદ્ધ અમેરિકા સૈન્ય કાર્યવાહી કરશે...ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી એકવાર ધમકી આપી છે. અને કહ્યું કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માટે સંમત નથી એટલા માટે અમે તેની સામે સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છીએ. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સામે કોઈપણ સૈન્ય કાર્યવાહીમાં ઇઝરાયલ મુખ્ય ભૂમિકા ભજવશે.
ટ્રમ્પે કહ્યું કે ઈરાનને પરમાણુ શસ્ત્રો રાખવાની મંજૂરી આપી શકાય નહીં અને જો તે વિકાસના પ્રયાસોને રોકવાનો ઇનકાર કરી રહ્યો છે તો સૈન્ય કાર્યવાહી માટે તૈયાર રહે. ઓવલ ઓફિસમાં અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા બાદ ટ્રમ્પે પત્રકારો સામે આ ધમકી આપી હતી.
ટ્રમ્પે કહ્યું કે મારી માગ એટલી જ છે કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો ન હોવા જોઇએ. જો તે સંમત ન થાય અને એની સામે અમારી સૈન્ય કાર્યવાહી કરવી પડે તો અમે તૈયાર છીએ. સ્વાભાવિક છે કે ઇઝરાયલ ઈરાન સામેની કાર્યવાહીની સ્થિતિમાં અમારું નેતૃત્વ કરશે. અમે જે ઈચ્છીશું એ કરીશું.
ટ્રમ્પે અગાઉ આશ્ચર્યજનક જાહેરાત કરી હતી કે અમેરિકા અને ઈરાન શનિવારથી તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર સીધી વાતચીત શરૂ કરવાના છે. તેમણે ચેતવણી આપી હતી કે જો વાટાઘાટો નિષ્ફળ જશે તો ઈરાન ગંભીર ખતરામાં મુકાઈ જશે.