UN ઇમિશન ગેપ રિપોર્ટ 2025માં ખુલાસો : પેરિસ કરારનું 1.5 ડિગ્રીનું લક્ષ્ય હવે લગભગ અશક્ય
સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રકાશિત નવી ઇમિશન ગેપ રિપોર્ટ 2025 એ વૈશ્વિક તાપમાન નિયંત્રણ અંગે ગંભીર ચેતવણી આપી છે. રિપોર્ટ મુજબ, પેરિસ હવામાન કરાર હેઠળ નક્કી કરાયેલ લક્ષ્ય પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવું હવે લગભગ અશક્ય બની ગયું છે. રિપોર્ટ અનુસાર, જો બધા દેશો હાલની હવામાન નીતિઓ અને વચનો (NDCs) સંપૂર્ણ રીતે અમલમાં લાવે તો પણ, આ સદીના અંત સુધી તાપમાનમાં 2.3 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની સંભાવના છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે વિશ્વને હજી 55 ટકા ઉત્સર્જનમાં ઘટાડો કરવો જરૂરી છે, પરંતુ હાલની નીતિઓથી માત્ર 15 ટકા ઘટાડો શક્ય જણાય છે.
યુએનઇપીના રિપોર્ટ મુજબ, જો હાલની નીતિઓ જ ચાલુ રહે તો તાપમાનમાં 2.8 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. જેના કારણે સમુદ્ર સ્તર ઉંચું થવું, અતિશય ગરમી, દુષ્કાળ અને પૂરની આપત્તિઓ સામાન્ય બની જશે. 2024માં વૈશ્વિક કાર્બન ઉત્સર્જન 2.3 ટકા વધીને 57.7 ગીગાટન સુધી પહોંચી ગયું છે. વિશ્વ જો 2 ડિગ્રીની અંદર રહેવા માંગે છે તો 2030 સુધી 25 ટકા ઉત્સર્જન ઘટાડવું પડશે. જ્યારે 1.5 ડિગ્રીનું લક્ષ્ય બચાવવા માટે આગામી પાંચ વર્ષમાં ઓછામાં ઓછા 40 ટકા ઘટાડો કરવો જરૂરી છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, વૈજ્ઞાનિકો મુજબ 1.5 ડિગ્રીની મર્યાદા હવે તાત્કાલિક રીતે વટાવવી લગભગ નિશ્ચિત છે, પરંતુ આ હાર માનવાનો સમય નથી. તેમણે ઉમેર્યું કે, “સદીના અંત સુધી 1.5 ડિગ્રીના લક્ષ્યને ધ્રુવ તારા જેવી દિશા તરીકે જાળવવી માનવજાતની સંયુક્ત જવાબદારી છે.” યુએનઇપીના ડિરેક્ટર ઇન્ગર એન્ડરસને પણ જણાવ્યું કે, દેશોને પેરિસ કરારના લક્ષ્યો પૂરા કરવા ત્રણ તક મળી હતી, પરંતુ દરેક વખતે તેઓ પાછળ રહી ગયા.
રિપોર્ટમાં જણાવાયું છે કે, જી-20 દેશો વૈશ્વિક ઉત્સર્જનના 77 ટકા માટે જવાબદાર છે, છતાં પણ માત્ર 7 દેશોએ 2035 માટેના લક્ષ્યો નક્કી કર્યા છે. 2024માં આ દેશોના ઉત્સર્જનમાં પણ 0.7 ટકા વધારો થયો છે, જે બતાવે છે કે સૌથી મોટા પ્રદૂષક દેશો હજી ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે.
રિપોર્ટનો અંતિમ સંદેશ સ્પષ્ટ છે કે, જો હાલની ગતિ ચાલુ રહેશે તો હવામાન આપત્તિઓ દૈનિક હકીકત બની જશે. માનવજાતનું ભવિષ્ય આજના નિર્ણયો પર આધારિત છે. યુએનનો સંદેશ સ્પષ્ટ છે કે, “સમય બહુ ઓછો છે, પણ તક હજી પણ જીવંત છે.”