રશિયન તેલ ખરીદતા દેશો પર 50 ટકા સુધી ટેરિફ લાદવાની અમેરિકાની ચીમકી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો રશિયા યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય, તો તેઓ રશિયન તેલ ખરીદતા દેશો પર 50 ટકા સુધી ટેરિફ લાદશે. જો યુદ્ધ ચાલુ રહે તો તેમણે અમેરિકામાં પ્રવેશતા રશિયન તેલ અને અન્ય માલ પર 25 ટકા ટેરિફની ધમકી પણ આપી હતી. ટ્રમ્પે ઈરાનને ધમકી આપી કે, જો તેહરાન તેના પરમાણુ કાર્યક્રમ અંગે વોશિંગ્ટન સાથે સમજૂતી નહીં કરે તો તે બોમ્બમારો અને ગૌણ ટેરિફ લાદશે.
એનબીસી ન્યૂઝ સાથેની ટેલિફોન મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા અને ઈરાનના અધિકારીઓ આ મુદ્દે વાત કરી રહ્યા છે. જો કે તેમણે વિસ્તૃત માહિતી આપી નથી. ટ્રમ્પે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવા બદલ પુતિનની ટીકા કરી હતી.