અમેરિકાઃ વેનેઝુએલાના નાગરિકોના દેશનિકાલને રોકવાના નીચલી કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પલટ્યો
અમેરિકી સુપ્રીમ કોર્ટે, વેનેઝુએલાના નાગરિકોના દેશનિકાલ પર પ્રતિબંધ મૂકતા નીચલી કોર્ટના ચુકાદાને ઉથલાવી દીધો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, ટ્રમ્પ વહીવટીતંત્ર, યુદ્ધ સમયની સત્તાઓના આધારે વેનેઝુએલાના સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવાનું ચાલુ રાખી શકે છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર અસ્થાયી રૂપે સ્ટે આપ્યો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કથિત ગુનાહિત ગેંગના સભ્યોને વેનેઝુએલામાં દેશનિકાલ કરવા માટે 1798ના કાયદા (એલિયન એનિમીઝ એક્ટ-1798)નો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે. સોમવારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, કાયદાને પડકાર ટેક્સાસમાં દાખલ થવો જોઈતો હતો કારણ કે સ્થળાંતર કરનારાઓને ત્યાં રાખવામાં આવ્યા હતા, વોશિંગ્ટન ડીસીમાં નહીં.
5-4ના નિર્ણયમાં, ટોચની અદાલતે વોશિંગ્ટન ડીસી સ્થિત ન્યાયાધીશના આદેશને રોકવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રની વિનંતીને મંજૂરી આપી. સોમવારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની ઉજવણી કરી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "સુપ્રીમ કોર્ટે આપણા દેશમાં કાયદાના શાસનને સમર્થન આપ્યું છે. રાષ્ટ્રપતિને, ભલે કોઈ પણ હોય, આપણી સરહદો સુરક્ષિત કરવા અને આપણા પરિવારો અને આપણા દેશનું રક્ષણ કરવા સક્ષમ બનાવવાનો અધિકાર છે. અમેરિકામાં ન્યાય માટે એક મહાન દિવસ."
નોંધનીય છે કે, આ કાયદાનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની, ઇટાલિયન અને જર્મન ઇમિગ્રન્ટ્સને ઇન્ટર્ન કરવા માટે કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયને અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયને નીચલી કોર્ટમાં પડકાર્યો હતો. એલિયન એનિમીઝ એક્ટ રાષ્ટ્રપતિને એવા વ્યક્તિઓને દેશનિકાલ કરવાનો, અટકાયત કરવાનો અથવા પ્રતિબંધિત કરવાનો અધિકાર આપે છે, જેમની પ્રાથમિક નિષ્ઠા વિદેશી શક્તિ પ્રત્યે હોય અને જે યુદ્ધ સમયે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરી શકે.