કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શાળાઓને પ્રવેશ અને પરીક્ષા ફી માટે ડિજિટલ પેમેન્ટ UPI અપનાવવા અનુરોધ કર્યો
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાળાઓને પ્રવેશ અને પરીક્ષા ફી માટે ઓનલાઈન UPI અપનાવવા વિનંતી કરી છે. જેનો હેતુ વહીવટી પ્રક્રિયાઓને આધુનિક બનાવવાનો છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને NCERT, CBSE, KVS અને NVS જેવી સ્વાયત્ત સંસ્થાઓને શાળાઓમાં નાણાકીય વ્યવહારોને સુવ્યવસ્થિત કરવા માટે UPI અપનાવવા ભાર મૂક્યો છે.આ પગલું કાયદાકીય, નીતિગત અને સંસ્થાકીય સુધારાઓ દ્વારા “જીવન અને શિક્ષણની સરળતા” ને પ્રોત્સાહન આપવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. ડિજિટલ ચુકવણી પ્રણાલીઓ અપનાવવાથી પારદર્શિતા વધશે અને શાળાઓની મુલાકાત લીધા વિના ફી કે અન્ય ચુકવણીની સુવિધા મળશે.
મંત્રાલયે ભાર મૂક્યો હતો કે રોકડ ચુકવણીથી ડિજિટલ ચુકવણી તરફ જવાથી શાળા વહીવટનું આધુનિકીકરણ થશે અને 2047 સુધીમાં “વિકસિત ભારત” ના લક્ષ્યને મજબૂત બનાવવામાં આવશે.