કેન્દ્રીય મંત્રીમંડળે નવા ઈનકમ ટેક્સ બિલને મંજૂરી આપી, ટેક્સપેયર્સને થશે ફાયદો
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળે નવા ઈનકમ ટેક્સ બિલને મંજૂરી આપી છે. આ બિલ છ દાયકા જૂના આઈટી એક્ટનું સ્થાન લેશે. નવું બિલ ઈનકમ ટેક્સ સાથે જોડાયેલા તે તમામ સુધારા અને ધારાઓથી મુક્ત હશે જે હવે પ્રાસંગિક નથી. તેમજ ભાષા એવી હશે કે લોકો તેને ટેક્સ એક્સપર્ટની મદદ વિના સમજી શકે. આ બિલ આગામી દિવસોમાં લોકસભામાં રજુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કરદાતાઓને મોટી રાહત મળશે.
નવું બિલ લાગુ કરવાનો હેતુ ભાષા અને પાલન પ્રક્રિયાઓને સરળ બનાવવાનો છે. કહેવાનો અર્થ એ છે કે નવા કાયદામાં ઈનકમ ટેક્સ સ્લેબમાં ફેરફારની શક્યતા નથી કેમ કે આ સામાન્યરીતે નાણાકીય એક્ટના માધ્યમથી કરવામાં આવે છે. વર્ષ 2010માં 'ડાયરેક્ટ ટેક્સ કોડ બિલ, 2010' સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. આને તપાસ માટે સ્થાયી સમિતિની પાસે મોકલવામાં આવ્યું હતું. જોકે, 2014માં સરકાર બદલવાના કારણે બિલ રદ થઈ ગયું.
સૂત્રોએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નવા બિલને મંજૂરી આપી દીધી છે. હવે નવું બિલ આગામી અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે અને તેને સંસદની નાણાકીય સંબંધિત સ્થાયી સમિતિની પાસે મોકલવામાં આવશે. સંસદના વર્તમાન બજેટ સત્રનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરીએ ખતમ થઈ રહ્યો છે. સત્ર 10 માર્ચે ફરી શરૂ થશે અને ચાર એપ્રિલ સુધી ચાલશે.