રોજગાર મેળોઃ લગભગ 51,000થી વધુ નવા નિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું
વડોદરાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રવ્યાપી 'રોજગાર મેળા' પહેલના ભાગરૂપે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 51,000થી વધુ નવા નિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. સવારે 10.30 વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ તમામ યુવાનોને સંબોધિત કર્યા હતા અને તેમને 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં કર્મયોગી તરીકેની ભૂમિકા નિભાવવા પ્રેરિત કર્યા હતા.
રોજગાર મેળાની આ પહેલ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફનું એક મોટું પગલું છે. આ રોજગાર મેળા દ્વારા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોટા પાયે ભરતી કરવામાં આવી રહી છે, જે યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે. આ કાર્યક્રમનું આયોજન દેશભરમાં 40 સ્થળોએ કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહ્યા હતા.
નવા નિયુક્ત થયેલા તમામ ઉમેદવારોને 'કર્મયોગી પ્રારંભ' દ્વારા પોતાને તાલીમ આપવાની તક પણ મળશે. આ એક ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ છે, જે તેમને સરકારી વિભાગોના માળખા, નીતિઓ અને કાર્યશૈલી વિશે માહિતી આપીને તેમના નવા કાર્યક્ષેત્ર માટે તૈયાર કરશે. રાષ્ટ્રવ્યાપી રોજગાર મેળા અંતર્ગત ગુજરાતના વડોદરામાં પોસ્ટ વિભાગ દ્વારા ટપાલ તાલીમ કેન્દ્ર, હરણી રોડ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભારત સરકારના સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી, વડોદરાના મેયર શ્રીમતી. પિંકી સોની, વડોદરા અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ , CPMG ગુજરાત સર્કલના ગણેશ સાવલેશ્વરકર ઉપસ્થિ રહ્યા હતા.
વડોદરા ખાતે વિવિધ વિભાગો સાથે સંબંધિત કુલ 86 ઉમેદવારોને તેમના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પોસ્ટ ઓફિસમાં 67, રેલવેમાં 10, સીજીએસટી (CGST)માં 04, સીઆઈએસએફ (CISF)માં 02, સીઆરપીએફ (CRPF)માં 02, એએઆઈ (AAI)માં 01નો સમાવેશ થાય છે. વડોદરા ખાતેના આ કાર્યક્રમમાં નવા નિયુક્ત યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાષ્ટ્રસેવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.