હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

‘ચાચાજી, મેં કુછ ઐસા કામ કરુંગા કી, સબ લોગ આપકો ભગતસિંહ કે ચાચા કે રૂપ મેં જાનેંગે.’

08:00 AM Apr 12, 2025 IST | revoi editor
Advertisement

(પુલક ત્રિવેદી)
Advertisement

ભારતની આઝાદીની ચળવળમાં અનેક લોકોએ ભાગ લીધો છે અને ઘણાં વીરોએ બલિદાનો આપ્યા છે. જ્યારે પણ ભારતની આઝાદીની ચળવળ અને ક્રાંતિવીરોના બલિદાનોની વાત આવે ત્યારે શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહનું નામ સૌથી પહેલું માનસપટ ઉપર તરવરે. ભગતસિંહના બહાદુરીભર્યા ક્રાંતિકારી પગલાના કિસ્સાઓ ભારતના અબાલ વૃધ્ધ સૌ કોઇની જીભ ઉપર છે. આજના આ રાષ્ટ્રીય પર્વે ભગતસિંહની જાણી અજાણી વાતો યાદ કરીની દેશની માટીને માથે ચડાવીએ. ભગતસિંહનું નામ કેવી રીતે પડ્યું એ વાત રસપ્રદ છે. ૨૭મી સપ્ટેમ્બર, ૧૯૦૭ના રોજ પશ્ચિમી પંજાબના લાયલપુર ગામમાં આર્યસમાજી પરિવારમાં એક દીકરાનો જન્મ થયો. આ દીકરાના પિતા ક્રાંતિવીર સરદાર કિસનસિંહ અને કાકા ક્રાંતિવીર સરદાર અજિતસિંહ આ બાળકના જન્મના દિવસે જ જેલમાંથી છૂટ્યા હતા. પરિવારમાં આવેલા નવા ફરજંદના પગલાને પુણ્યશાળી ગણાવીને એ વખતે દાદી જય કોરના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતાં કે, ‘એ મુંડા બડા ભાગાંવાલાં એ...’ અર્થાત ‘આ છોકરો તો બહુ ભાગ્યશાળી છે.’ દાદીના આ શબ્દો ઉપરથી પરિવારજનોએ નક્કી કર્યું કે, ‘ભાગાંવાલા’ શબ્દને મળતું જ નામ પાડવું. અને પછી એ છોકરાનું નામ પડ્યું સરદાર ભગતસિંહ. પરિવાર આર્યસમાજી હતો એટલે ભગતસિંહના નામકરણ સંસ્કાર વિધિમાં સરસ મઝાનો યજ્ઞ યોજવામાં આવ્યો. એ સમયે ભગતસિંહના દાદા સરદાર અર્જુનસિંહે સંકલ્પ જાહેર કર્યો કે, એમના પૌત્ર સરદાર ભગતસિંહને દેશ માટે તેઓ સમર્પિત કરી દેશે.

બાળક ભગત એકવાર રમતો હતો ત્યારે એના ક્રાંતિવીર કાકા અજિતસિંહે ભગતસિંહને કહ્યું હતું કે, ‘હવે લોકો તને મારા ભત્રિજા તરીકે ઓળખશે.’ ત્યારે બાળ ભગતે ખુમારીથી કાકાને જવાબ આપ્યો હતો કે, ‘ચાચાજી, મેં કુછ ઐસા કામ કરુંગા કી, સબ લોગ આપ કો ભગતસિંહ કે ચાચા કે રૂપ મેં જાનેંગે.’ દયાનંદ એંગ્લો વૈદિક હાઈકૂલમાં શાળાકીય શિક્ષણ લઈને સમાજવાદ અને આઝાદીની ક્રાંતિકારી પ્રેરણાના રંગોથી રંગાયેલા ભગતસિંહે યુવાનીના ઊંબરે પગ મૂક્યો. એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાના અને સેન્ડર્સની હત્યાના કેસમાં ભગતસિંહ ૭૧૬ દિવસ જેલમાં રહ્યાં. ૭ ઓકટોબર ૧૯૩૦ના રોજ બ્રિટીશ જજે ભગતસંહને ફંસીની સજા ફરમાવવાનો હુકમ કર્યો. ૨૪ માર્ચ ૧૯૩૧ના રોજ ભગતસિંહને ફાંસી આપવાનો અર્ડર હતો પરંતુ એના ૧૧ કલાક પહેલાં એમને ૨૩ માર્ચ, ૧૯૩૧ની સાંજે ૭-૩૦ વાગે ફાંસીના માચડે ચડાવી દેવાયા. આ ક્રાંતિવીરની ખુમારી તો જુઓ, એમણે બ્રિટિશ હુકુમતને કહ્યું હતું કે, ‘મને કોઈ ગુનેગારની જેમ ફાંસી આપવાના બદલે એક ક્રાંતિકારીને છાજે એવી રીતે ગોળી મારીને મોત આપવું.’ જો કે, બ્રિટીશ સરકારે ભગતસિંહની આ વાત માન્ય રાખી નહતી.

Advertisement

ભગતસિંહ જેલમાં ડાયરી લખતાં. એમની ૪૦૪ પાનાની ડાયરીમાં ભગતસિંહની ઘણી બધી અનટોલ્ડ સ્ટોરીઝ ધરબાયેલી પડી છે. એક ક્રાંતીવીર ઉપરાંત ભગતસિંહ ઊંચા દરજ્જાના વાંચક એટલે કે વોરેસિયસ રીડર હતા. ખૂબ સારા લેખક હતાં. દાર્શનિક અને ચિંતક પણ હતા. માત્ર ૨૩ વર્ષની ઉંમરે ફાંસીના માચડે હસતાં હસતાં ચડી જનારા ભગતસિંહે ફ્રાંસ, આયર્લેન્ડ અને રશિયન ક્રાંતિનો વિશદ અભ્યાસ કર્યો હતો. ભાષા ઉપર એમના પ્રભુત્ત્વની વાત કરીએ તો, હિન્દી, અંગ્રેજી, ઊર્દુ, સંસ્કૃત, પંજાબી, બાંગ્લા અને આઈરીશ ભાષાની એમને સરસ જાણકારી હતી. સમાજવાદ ઉપર સૌથી પહેલું વક્તવ્ય આપનાર જો કોઈ હોય તો એ ભગતસિંહ હતા. ‘અકાલી’ અને ‘કિર્તી’ બે અખબારોનું ભગતસિંહે સંપાદન પણ કર્યું હતું.

જેલમાં એમણે લખેલા લેખો અને પરિવારજનોને એમણે લખેલા પત્રોમાં ભગતસિંહના દાર્શનિક અને ક્રાંતિકારી વિચારોનો પડઘો પડતો જોવા મળે છે. એમના લેખોમાં પૂંજીપતીઓ સામેનો આક્રોશ અને મજદૂરોના હક માટે જાગૃતિ સ્પષ્ટપણે દેખાતી. ઇતિહાસકારો નોંધે છે કે, ભગતસિંહ નાસ્તિક હતાં. જો કે, ભગતસિંહે એમના જેલવાસ દરમિયાન ‘હું નાસ્તિક છું’ વિષય ઉપર એક લેખ પણ લખ્યો હતો. પરંતુ, સરદાર યાદબિંદરસિંહના મંતવ્ય મુજબ ભગતસિંહ નાસ્તિક તો ન જ હતા. આ આખો વિષય ડિબેટેબલ છે. યાદબિંદરસિંહ કહે છે કે, જ્યારે ભગતસિંહને ફાંસી આપવા લઈ જવાતા હતા ત્યારે લાહોર સેન્ટ્રલ જેલના વોર્ડન સરદાર ચતરંનસિંહે તેમને અંતીમ સમયે ભગવાનને યાદ કરવા જ્યારે કહ્યું ત્યારે, ભગતસિંહે એમને જવાબ આપ્યો હતો કે, ‘આખી જિંદગી દુઃખીયારા અને ગરીબોના કષ્ટને જોઈને ભગવાનને જવાબદાર ગણતો રહ્યો, અને હવે જો ભગવાનને યાદ કરીશ તો મને બુઝદીલ સમજીને ડરી ગયો છે એમ કહેશે.’

ભગતસિંહની ૪૦૪ પાનાની ડાયરીના ૧૨૪ નંબરના પાના ઉપર એમણે લખ્યું છે કે, ‘ઈસ મિજાજ કા પરવદીગાર દે, જો ગમ કી ઘડી કો ભી ખુશી સે ગુલજાર કર દે...’ આ જ પાના ઉપર બીજી એક કડી એમણે એવી લખી છે કે, ‘છેડ ના ફરિશ્તે તું ઝીક્ર–એ–ગમ, ક્યોં યાદ દીલાતે હો ભુલા અફસાના...’  ભગતસિંહની આ ડાયરીની મૂળ હસ્તપ્રત અને માઈક્રો ફિલ્મ દિલ્હીના રાષ્ટ્રિય સંગ્રહાલયમાં છે.

શહીદ-એ-આઝમ ભગતસિંહને ફિલ્મો જોવાનો જબરો શોખ હતો. જ્યારે પણ મોકો મળે ત્યારે ક્રાંતિકારી મિત્ર રાજગુરુ અને યશપાલ સાથે ફિલ્મો જોવા ભગતસિંહ જતાં. એમને ચાર્લી ચેપલીનની ફિલ્મો બહુ ગમતી. જો કે, ચંદ્રશેખર આઝાદને ભગતસિંહની આ આદત કઠતી. એમને આ લોકો ફિલ્મો જોવા જતાં એ બાબતે બહુ ગુસ્સો આવતો. ભગતસિંહને ફિલ્મો ઉપરાંત રસગુલ્લા ખાવાનો પણ અનહદ આનંદ આવતો.

યાદબિંદરસિંહના જણાવ્યા અનુસાર બાણપણમાં એક જ્યોતિષીએ ભગતસિંહની ગરદન ઉપર નિશાન જોઈને ભવિષ્ય ભાખ્યું હતું કે, ‘આ છોકરો મોટો થઈને ફાંસીના ફંદા ઉપર ચડશે અથવા નવલખા હાર પહેરે એટલો ધનવાન બનશે.’ જ્યોતિષિની આ બે આગાહી પૈકી પહેલી આગાહી સાચી પડી. શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહ ૨૩ વર્ષની નાની વયે હસતાં હસતાં ફાંસીના માંચડે ચડી ગયા.

એક બીજી મજાની વાત એ પણ છે કે, દેશભરમાં જેના કરોડો ચાહકો છે એવા ભગતસિંહ ક્રાંતિવીર બટુકેશ્વર દત્તના પ્રશંસક હતા. આની સાબિતી એમણે જેલમાં લખેલી ડાયરી ઉપરથી મળે છે. બટુકેશ્વર દત્તને લાહોર જેલમાંથી બીજી જેલમાં જ્યારે લઈ જવાના હતાં એના ચાર દિવસ પહેલાં જ્યાં બટુકેશ્વર દત્તને રાખવામાં આવ્યાં હતાં એ ૧૩૭ નંબરના સેલમાં એમને મળવા માટે ભગતસિંહ પહોંચી ગયા હતા. ૧૨ જુલાઈ, ૧૯૩૦ના દિવસે એમણે એમની ડાયરીના પાના નં. ૬૫ અને ૬૭ ઉપર ક્રાંતિવીર બટુકેશ્વર દત્તના ઓટોગ્રાફ લીધા હતા.

કરોડો દેશવાસીઓના હદયમાં પોંખાતા અને માનીતા શહીદ-એ-આઝમ ભગતસિંહ વિશે લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમના લોકપ્રિય રેડીયો કાર્યક્રમ ‘મન કી બાતમાં’ થોડા સમય પહેલાં કહ્યું હતું કે, ‘આજનો યુવાન ભગતસિંહ બની શકે કે ન બની શકે, પરંતુ ભગતસિંહ જેવો દેશપ્રેમ અને દેશ માટે કશુંક કરી છૂટવાની તમન્ના આપણા બધાના હૃદયમાં અવશ્ય પેદા થઈ શકે.’  

ભગતસિંહ એક એવું વ્યક્તિત્વ છે કે, એમના વિશે જેટલું પણ સાંભળીએ, બોલીએ કે વાંચીએ, વધુને વધુ સાંભળવાનું, બોલવાનુ અને વાંચવાનું મન થાય. બોલીવુડે પણ ભગતસિંહના ચરિત્રને ત્રણ ત્રણ વાર કચકડે કંડાર્યું છે. સૌથી પહેલાં મનોજકુમારે, ત્યાર પછી અજય દેવગને અને એના પછી બોબી દેઓલે ભગતસિંહના ચરિત્રના અલગ અલગ કદાવર પાસાને પડદા ઉપર પ્રસ્તુત કર્યા છે. ભગતસિંહેનુ ચિંતન હતું કે, મોટા મોટા સમ્રાજ્યો તહસ નહસ થઇ જાય છે પરંતુ વિચારોને સદીઓ સુધી કોઇ ક્યારેય ધ્વસ્ત કરી શકતા નથી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article