સુરતના ડિંડોલીમાં ઉમિયા માતાજીના મંદિરના 10 વર્ષ પૂર્ણ થતાં ઉમાપુરમ્ દશાબ્દિ મહોત્સવનો આરંભ
સુરતઃ સુરતના ડિંડોલી ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરને 10 વર્ષ પૂર્ણ થતાં આયોજિત ઉમાપુરમ્ દશાબ્દિ મહોત્સવનો ભવ્ય આરંભ થયો. મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને ઉમિયા માતાજીના દર્શન કરીને પૂજા-અર્ચના કરી. તેમણે મા ઉમિયાના ચરણોમાં શીશ ઝૂકાવી, સમગ્ર રાજ્ય અને દેશના નાગરિકોના સુખ-સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે મંગલ પ્રાર્થના કરી.
ટ્રાફિક નિયમોનું પાલન અને આદર્શ નાગરિક બનવા પણ અપીલ કરી
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પાટીદાર સિવાય દરેક સમાજને આ સંસ્થા મદદરૂપ થાય, તેવું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમણે સ્વચ્છ અને હરિયાળું સુરત બનાવવા માટે નાગરિકોને સ્વચ્છતાની જાળવણી, ટ્રાફિક નિયમોનું પાલન અને આદર્શ નાગરિક બનવા પણ અપીલ કરી. સુરતની સ્વચ્છતા જોઈને બીજા શહેરના લોકો પણ પોતાના શહેર સ્વચ્છ રાખતા થયા છે. હું સુરતમાં જ્યાંથી નીકળ્યો તે તમામ જગ્યા પર સ્વચ્છતા જ હતી એક પણ જગ્યા પર ગંદકી જોવા મળી નથી.
ખેતરથી મહાકાય ઉદ્યોગો સુધી દરેક ક્ષેત્રે પાટીદાર સમાજે નોંધપાત્ર પ્રગતિ કરી
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પાટીદાર સમાજના યોગદાન અંગે ભારપૂર્વક ચર્ચા કરતાં જણાવ્યું કે, ખેતરથી મહાકાય ઉદ્યોગો સુધી દરેક ક્ષેત્રે પાટીદાર સમાજે નોંધપાત્ર પ્રગતિ કરી છે. રાજ્ય અને દેશના વિકાસમાં આ સમાજે મજબૂત ભૂમિકા ભજવી છે. તેમણે ઉમિયા માતાજીના આશીર્વાદથી ઉમાપુરમ્ મંદિરે 10 વર્ષ પૂર્ણ થવાની શુભ ક્ષણને યાદગાર બનાવવામાં આયોજકોના પ્રયત્નોને બિરદાવ્યા.
કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજીનું એક વિશિષ્ટ તીર્થસ્થળ છે
મહોત્સવમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો. આ તકે વંદે ઉમાપુરમ્ થીમ સોંગનું વિમોચન પણ કરવામાં આવ્યું. ઉમાપુરમ્ મંદિર, જે ડિંડોલી વિસ્તારમાં ઓમનગરમાં આવેલું છે, કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજીનું એક વિશિષ્ટ તીર્થસ્થળ છે. મંદિર પરિસરમાં ઉમેશ્વર મહાદેવ, ગણેશ, રાધા-કૃષ્ણ, સંકટમોચન હનુમાન અને અન્ય દેવતાઓ પણ બિરાજમાન છે. દર વર્ષે નવરાત્રી, દિવાળી અને જન્માષ્ટમી સહિત અનેક તહેવારોમાં હજારો ભક્તો ઉમિયા માતાજીની આરાધનામાં ભાગ લે છે. દૈનિક પૂજા-અર્ચનાથી લઈને સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો સુધી, મંદિર પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.