ગોંડલના ખીમોરી તળાવમાં નહાવા પડેલા બે યુવાનોના ડૂબી જતા મોત
- તળાવમાં એક યુવાન ડૂબી જતા તેને બચવવા પડેલા સાથી મિત્રનું મોત,
- ફાયર વિભાગે ભારે જહેમત બાદ બન્ને યુવાનોની ડેડબોડી બહાર કાઢી,
- બન્ને યુવાનોના મોતથી પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ
રાજકોટઃ ગોંડલના ખીમોરી તળાવમાં નાહવા પડેલા બે યુવાન મિત્રોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. એક મિત્રને બચાવવાના પ્રયાસમાં બીજા મિત્રએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ બનાવની વિગત એવી છે કે, ગોંડલમાં ખીમોરી તળાવમાં નહાવા પડેલા બે યુવકોના મોત થયા છે. એક યુવક તળાવમાં ડુબતા તેને બચાવવા માટે બીજો યુવક કુદ્યો હતો. ત્યારે બીજો યુવક પણ ડુબી જતાં બંને યુવકોના મોત થયા છે. ઘટના અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ ગોંડલમાં વોરા કોટડા રોડ પર રહેતો 17 વર્ષીય મેહુલ ઘેલાભાઈ બુકેલીયા ખીમોરી તળાવમાં નાહવા પડ્યો હતો. અચાનક તે પાણીમાં ડૂબવા લાગતા તેના મિત્ર 20 વર્ષીય સુજલ રાજુભાઇ પરમાર (ગમારા)એ તેને બચાવવા માટે તળાવમાં છલાંગ લગાવી હતી. પરંતુ કમનસીબે બંને યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થતા બંનેના મોત થયા હતા. તળાવ કિનારે હાજર એક સ્થાનિક વ્યક્તિએ યુવાનોને ડૂબતા જોઈ તાત્કાલિક ગોંડલ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે તુરંતજ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ગોંડલના બે આશાસ્પદ યુવાનોના તળાવમાં ડુબી જવાથી મોતના સમાચાર મળતા મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ગોંડલ બી - ડિવિઝન પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે બાદ બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.