પાલનપુરના DILR લેન્ડ રેકર્ડના બે સર્વેયર એક લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા
- જમીન માપણીને લઈને ફરિયાદી પાસે લાંચની માગણી કરી હતી,
- ધોળેશ્વર મહાદેવ મંદિર સામે ચંડીસર ખાતે લાંચનું છટકું ગોઠવાયુ હતુ,
- ACBએ બન્ને સર્વેયરને રંગે હાથ ઝડપી લીધા
પાલનપુરઃ ગુજરાતમાં લાંચના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના ડી.આઈ.એલ.આર. જિલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સનાં બે સર્વેયર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. પાલનપુરના ચંડીસર ખાતે આવેલી ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે વીવાંશ સર્વેયર ઓફિસમાં જમીન માપણીને લઈ ફરિયાદી પાસે એક લાખની લાંચ લેતાની સાથે જ બનાસકાંઠા ACBએ બંને અધિકારીઓને ઝડપી પાડ્યા હતા, આ બનાવથી લેન્ડ રેકર્ડ કચેરીમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
પાલનપુર ડી.આઈ.એલ.આર. જિલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સનાં સર્વેયર લાંચ લેતા ACB ના હાથે રંગે હાથ ઝડપાયા છે. ફરિયાદીએ ખેતીની જમીન અને પ્રમોલગેશન થતાં ક્ષેત્રફળમાં ફેરફાર કરીને સુધારો કરવા ડી.આઈ.એલ.આર. (જીલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ) કચેરીમાં અરજી આપી હતી. જેમાં બંને અધિકારીઓએ જમીન માપણી કરી ફરિયાદી પાસે એક લાખ રૂપિયાની સર્વેયર ભાવેશકુમાર દલપતભાઈ પાતાણી, તેમજ રામાભાઇ લક્ષ્મણભાઈ ચૌધરીએ લાંચ માંગી હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય બનાસકાંઠા જિલ્લા ACBનો સંપર્ક કર્યો હતો અને ACB દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેના આધારે આજે બંને અધિકારીઓએ વિવાંશ સર્વેયર ઓફિસ ધોળેશ્વર મહાદેવ મંદિર સામે ચંડીસર ખાતે ફરિયાદી પાસે લાંચના પૈસાનો સ્વીકાર કરતા જ એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, લાંચ કેસમાં પકડાયેલા રામાભાઇ લક્ષ્મણભાઈ ચૌધરી, હોદ્દો -સરકારી લાઇસન્સ સર્વેયર, ડી.આઈ.એલ.આર. કચેરી, પાલનપુર અને ભાવેશકુમાર દલપતભાઈ પાતાણી, હોદ્દો-સરકારી લાઇસન્સ સર્વેયર, ડી.આઈ.એલ.આર. કચેરી, પાલનપુરનો સમાવેશ થાય છે. બન્ને અધિકારી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.