બોટાદ-તાજપુર રોડ પર બે બાઈક સામસામે અથડાતા પોલીસ જવાન સહિત બેના મોત
- પોલીસ જવાન નોકરી પૂર્ણ કરી પરત ઘર તરફ જતા હતા ત્યારે સર્જાયો અકસ્માત,
- અકસ્માતમાં બે બાઈક ચાલકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા,
- એક વ્યક્તિને ગંભીર ઈજા પહોચતા હોસ્પિટલમાં ખસેડાઈ,
બોટાદઃ રાજ્યમાં ઓવરસ્પિડ વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બોટાદ- તાજપર વચ્ચે બે બાઇક સામસામે અથડાતા પોલીસ જવાન સહિત બેના મોત નીપજ્યા હતા. જ્યારે બાઈકસવાર એક વ્યક્તિને ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, બોટાદ-તાજપર રોડ પર પૂરફાટ ઝડપે જતા બે બાઈક સામસામે અથડાતા બે બાઈકચાલકના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.જ્યારે એક બાઈકસવાર વ્યક્તિને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતકોમાં એક વ્યક્તિ બોટાદ સબજેલમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહિલ હોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે બીજા મૃતક વ્યક્તિ મહેશભાઈ સાકળિયા હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવની જાણ પોલીસને થતા બોટાદ રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પી.એમ.માટે ખસેડાયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બોટાદ ખાતે રહેતા અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ દિલુભા ગોહિલ (ઉ.વ 32 ) પોતાનું મોટરસાયકલ નં જીજે 04 સીઈ 5262 પર બોટાદ સબ જેલ ખાતેથી નોકરી પુરી કરી ઘરે જતા હતા.તે દરમિયાન બોટાદ- તાજપર વચ્ચે રાંદલમાના મંદિર નજીક પહોચતા સામેથી મોટરસાયકલ નં જીજે 04 બીબી 0551ના ચાલક મહેશભાઈ ઝવેરભાઈ સાકળીયાએ પોતાનું બાઈક પુરઝડપે અને બે ફિકરાઇથી અને ગફલતભરી રીતે ચલાવી ધર્મેન્દ્રસિંહના બાઈક સાથે અથડાવી દેતા ધર્મેન્દ્રસિંહના માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા થતા સ્થળ પર મોત નિપજ્યું હતું.જ્યારે મહેશભાઈને પણ વાહન અકસ્માતમાં નાની-મોટી ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ ઘનશ્યામસિંહેએ બાઈક ચાલક વિરૂધ્ધ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.