અતિ દૂર્લભ અને લુપ્ત પ્રજાતિનું પ્રાણી પેંગોલિન (કીડીખાવ) વેચવા જતા બે શખસો પકડાયા
- રાજકોટ એસઓજીની ટીમે વન વિભાગને સાથે રાખીને પેંગોલિંનનું રેસ્ક્યુ કર્યુ,
- કરોડોની કિંમતના પેંગોલિંનને વેચવા માટે બે શખસો રાજકોટ આવ્યા હતા,
- કોડિનારના ઘાટવડ ગામે જગલમાં એક ઓરડીમાં પેંગોલિનને પાંજરામાં પૂરીને રખાયું હતુ,
રાજકોટઃ રેરેસ્ટ ઓફ ધી રેર ગણાતા દુર્લભ અને લુપ્ત થતી પ્રજાતિનું પેંગોલીન (Pangolin in Rajkot)નું ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયામાં વેચાણ થાય તે પહેલા જ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા વન વિભાગની ટીમને સાથે રાખીને પોંગલિનને મુક્ત કરાયુ હતુ. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા રાજકોટ શહેરના ઢેબર રોડ ખાતેથી 39 વર્ષીય બીજલ સોલંકી તેમજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ખાતેથી દિલીપ મકવાણા નામના વ્યક્તિને ઝડપી પાડ્યા છે.
રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ને બાતમી મળી હતી કે, દુર્લભ અને લુપ્ત થતી પ્રજાતિનું પેંગોલીન (કીડીખાઉ) વેચવા માટે એક શખસ આવી રહ્યો છે. આ પ્રકારની બાતમી મળતા બીજલ સોલંકીને ઢેબર રોડ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. વન્યજીવોના શેડ્યુલ - 01માં સામેલ તેમજ રેરેસ્ટ ઓફ ધી રેર ગણાતા દુર્લભ અને લુપ્ત થતી પ્રજાતિનું પ્રાણી કીડીખાવ (પેંગોલીન)ને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યું છે. તેમજ એક વ્યક્તિ પોતાના આર્થિક લાભ માટે તેનું વેચાણ કરવા માટે રાજકોટ આવી રહ્યો હતો. પોલીસે બીજલ સોલંકીની પૂછતાછ કરતા તેને જણાવ્યુ હતું કે, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે દિલીપ મકવાણા પાસે પેંગોલીન રાખવામાં આવ્યું છે. જેથી તાત્કાલિક અસરથી પેંગોલીનનું રેસ્ક્યુ કરવા માટે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ગીર સોમનાથ જિલ્લા ખાતે રવાના થઈ હતી. જ્યાં મોડી રાત્રે ઘાટવડ ગામ ખાતે પહોંચી સ્થાનિક પોલીસની મદદ મેળવીને તપાસ શરૂ કરાઈ હતી.
તપાસમાં જાણવા મળ્યું કે, ઘાટવડ ગામથી આગળ દેવથાનીયા જંગલ વિસ્તારમાં આતુભાઇ લાલકિયાની વાડીમાં આવેલ ઓરડીમાં પાંજરામાં પેંગોલીનને રાખવામાં આવ્યું હતું. તેમજ દિલીપ મકવાણા પણ સ્થળ ઉપર હાજર મળી આવ્યો હતો. ત્યાર બાદ પેંગોલીનનું ફોરેસ્ટ વિભાગની મદદથી રેસ્ક્યુ કરીને રેન્જ ફોરેસ્ટ ઓફિસર જામવાળાને તેને સોંપવામાં આવ્યું છે. સાથે બનાવ સંદર્ભે વન વિભાગ દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 2(1), 2(11), 2(14), 2(16), 39, 43, 49, 50, 51, 52, 55, 57 સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.