સુરત શહેરમાં બે લાખ લોકો કેન્સરથી પીડિત, પ્રતિદિન 55 કેસ નોંધાય છે
- પુરુષોમાં મોઢાના કેન્સરનું પ્રમાણ વધુ
- મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને બાળકોમાં બ્લડ કેન્સરના કેસ
- સિવિલમાં રોજ 80 દર્દીઓને અપાય છે, કીમિયોથેરાપી
સુરતઃ રાજ્યમાં કેન્સરના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ખાણી-પીણી અને વ્યસન સહિત અનેક કારણો કેન્સર થવા માટે કારણભૂત છે. સુરત શહેરમાં કેન્સરથી અંદાજે બે લાખ દર્દીઓ પીડાઇ રહ્યા છે. જેમાં 1,92,155 દર્દીઓની સારવાર શહેરની 5 મોટી ગણાતી હોસ્પિટલમાં કરાઇ રહી છે. બાકીનો ઇલાજ અલગ અલગ ક્લિનિકમાં કરાઇ રહ્યો છે. સુરતમાં હાલમાં દર વર્ષે કેન્સરના નવા 15થી 20 હજાર દર્દી નોંધાય રહ્યા છે.. જે ચિંતાજનક બાબત છે.તબીબોના કહેવા મુજબ સુરતમાં પુરુષોમાં સૌથી વધારે મોઢાના કેન્સર, મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અ્ને સર્વાઇકલ કેન્સર તેમજ બાળકોમાં બલ્ડ કેન્સરનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. શહેરમાં કેન્સરની સારવાર માટે જે 5 મોટી હોસ્પિટલ છે એમાં દર વર્ષે 4 હજાર નવા દર્દીઓ આવી રહ્યા છે. આ સિવાય વધુ સારવાર માટે અમદાવાદ અને મુંબઇ જેવા શહેરોમાં જવું પડે છે.
સુરત શહેરની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી લાયન્સ કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દરરોજ 150થી 200 દર્દીઓ સારવાર માટે આવે છે. જ્યારે 60થી 80 દર્દીને કિમિયોથેરાપી અને 100-120 દર્દીને રેડિએશન આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં કેન્સરની સર્જરીની સુવિધા ઉપલબ્ધ છે. સમય પર કેન્સરનું નિદાન થવાથી અને ઉપચાર મળી જતા 40થી 50 ટકા દર્દી સંપૂર્ણ રીતે સાજા થઇ જાય છે. લાયન્સ કેન્સર હોસ્પિટલમાં 200 બેડની નવી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. શહેરની વસ્તી અંદાજે 70 લાખથી વધુ છે. અહિંયા યુપી સહિતના રાજ્યો સહિત દેશના ઘણાં ભાગોથી લોકો રોજગાર માટે આવે છે. પ્રદૂષણ સિવાયના અન્ય કારણોમાં તમાકુનું વધારે પ્રમાણમાં સેવન અને અનિયમિત જીવનશૈલીથી પણ કેન્સર થવાનું જોખમ રહેલું છે