For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલર પલટી જતા બેના મોત, ત્રણને ઈજા

05:06 PM Oct 15, 2025 IST | Vinayak Barot
ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલર પલટી જતા બેના મોત  ત્રણને ઈજા
Advertisement
  • ડીસાના ભોયણ પાટિયા નજીક બન્યો અકસ્માતનો બનાવ,
  • અકસ્માતને લીધે એક કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો,
  • ટ્રેલરમાં સવાર બે હેલ્પરો ટ્રેલર નીચે દટાઈ જતાં ઘટના સ્થળે જ મોત,

ડીસાઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ડીસા-પાલનપુર હાઈવે પર સર્જાયો હતો. ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામના પાટિયા નજીક મંગળવારે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેલર પલ્ટી ખાઈ જતાં તેની નીચે દબાઈ જતાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા અને અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમણે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે પર બંને તરફ એક એક કિમી સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ડીસા-પાલનપુર હાઇવે પર મંગળવારે સાંજે ભોયણ પાટિયા પાસે જેસલમેરથી વડોદરા તરફ જઈ રહેલ ટ્રેલર કોઈ કારણોસર અચાનક પલ્ટી ખાઈ ગયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રેલરમાં સવાર બે હેલ્પરો ટ્રેલર નીચે દટાઈ જતાં તેમના ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતકોમાં સંદીપકુમાર (રહે. મધ્ય પ્રદેશ) અને નંદકુમાર (રહે. બિહાર)નો સમાવેશ થાય છે. બંને ટ્રેલરના હેલ્પર તરીકે કાર્યરત હતા. જ્યારે ટ્રેલરના ડ્રાઈવર બસીર એહમદ (રહે. ઉત્તર પ્રદેશ), હેલ્પર દીપુ (રહે. મધ્યપ્રદેશ) અને ઓપરેટર રામકિશન મોર્યા (રહે. ગોરખપુર, ઉત્તર પ્રદેશ)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી

આ અકસ્માતને લીધે બંને તરફ એક એક કિમી સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ, ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ટીમો દ્વારા મૃતદેહોને બહાર કાઢવાની અને ટ્રાફિક પૂર્વવત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement