રેલવે ટ્રેક પર કાનમાં હેન્ડ ફ્રી ભરાવી ચાલતા કિશોરને બચાવવા જતા ટ્રેનની અડફેટે બેના મોત
- રાજકોટમાં માલધારી ફાટક પાસે બન્યો બનાવ
- ઉત્તર પ્રદેશના શ્રમિકો સ્ટીલ ફેકટરીમાં કામ કરતા હતા
- ટ્રેને વ્હીસલ મારી પણ કિશોર મોબાઈલમાં મશગુલ બન્યો હતો
રાજકોટઃ મોબાઈલમાં ઘણીવાર કેટલાક લોકો એટલા બધા વ્યસ્ત બની જાય છે કે, આજુબાજુ શુ ચાલી રહ્યું છે, એનું પણ ધ્યાન રહેતું નથી. આવો જ એક બનાવ રાજકોટમાં બન્યો છે. શહેરના માલધારી ફાટક પાસે રેલવે ટ્રેક પર ચાલતો એક કિશોર કાનમાં ઈયરફોન ભરાવીને મોબાઈલ જોવામાં વ્યસ્થ હતો. ત્યારે પૂર ઝડપે ટ્રેન આવી રહી હતી, ટ્રેનના પાયલોટે વ્હીસલ મારીને કિશોરને હટી જવા માટે ચેતવણી આપી હતી. પણ કિશોરને ટ્રેન આવી રહ્યાની જાણ હતી નહીં, આથી ટ્રેક પર કિશોરની પાછળ આવી રહેલા તેના બનેવીએ કિશોરને બચાવવા દોટ મુકી હતી, પણ તે દરમિયાન ટ્રેન આવી જતાં બન્નેના ટ્રેનની અડફેટે મોત નિપજ્યા હતા.
આ બનાવની વિગતો એવી છે કે, મૂળ યુપીના બહેરાઈચ જિલ્લાનો વતની હગ્નુ રામસંવારે સોનકર (ઉ.વ. 28) કોઠારીયા સોલવન્ટ પાસેના ગુલાબનગરમાં ઓરડીમાં રહેતો હતો. તે સ્ટીલ ફેકટરીમાં નોકરી કરતો હતો. ર મહિના પહેલા જ યુપીના ગોંડા જિલ્લામાં રહેતો તેનો સાળો બાબુહરિન્દર બંસરાજ સોનકર (ઉ.વ.12) તેની સાથે રહેવા આવ્યો હતો. જે એક કારખાનામાં મોલ્ડીંગનું કામ કરતો હતો. દરમિયાન સાળો બાબુહરિન્દર માલધારી ફાટક પાસે કાનમાં હેન્ડસ ફ્રી નાખી રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો. તેની પાછળ તેનો બનેવી હગ્નુ આવતો હતો. હેન્ડસ ફ્રીને કારણે સાળા બાબુહરિન્દરને ટ્રેન આવી ગયાની જાણ થઈ ન હતી. જે દ્રશ્ય જોઈ બનેવી તેને બચાવવા દોડી જતાં બંને ટ્રેન નીચે આવી ગયા હતા. જેમાંથી હગ્નુંનું સ્થળ પર જ મૃત્યુ નિપજયું હતું. જયારે બાબુહરિન્દરને ગંભીર હાલતમાં સિવીલમાં ખસેડાયો હતો. જયાં તેણે ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો.
આ બંન્ને શ્રમિકો સાથે રહેતા અન્ય શ્રમિકોએ જણાવ્યું કે ઓરડીમાં જમવાનું બનતું હતું ત્યારે બંને અચાનક બહાર નીકળી ગયા બાદ આ ઘટના બની હતી. જાણ થતાં આજી ડેમ પોલીસ સ્થળ પર અને હોસ્પિટલે દોડી ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. બંને મૃતકો મૂળ યુપીના વતની હોવાથી તેમના મૃતદેહો અંતિમવીધી માટે યુપી લઈ જવાયા હતા.