મહુવા હાઈવે પર અકસ્માતના બે બનાવ, બાઈક અકસ્માતમાં બેના મોત, લકઝરી બસ સ્લીપ થઈ
- મહુવા હાઈવે પર દાતરડી ગામ પાસે બાઈક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત,
- મહુવામાં હાઈવે પર લકઝરી બસ સ્લીપ ખાઈ રોડ સાઈડમાં ઉતરી ગઈ,
- રોડ પર ટ્રાફિકજામ સર્જાયો
ભાવનગરઃ હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ભાવનગર-મહુવા હાઈવે પર અકસ્માતના બે બનાવો બન્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ મહુવા નજીક વહેલી સવારે સુરત તરફથી આવતી એક લક્ઝરી બસ શહેરના પ્રવેશદ્વાર પાસે રોડની સાઈડથી નીચે ઉતરી ગઈ હતી.જો કે આ બનાવમાં કોઈ જામહાની થઈ નહતી પણ ટ્રાફિકજામ સર્જાયો હતો. જ્યારે બીજો અકસ્માતનો બનાવ ભાવનગર-મહુવા નેશનલ હાઈવે પર દાતરડી ગામ નજીક બાઈક અને બોલેરો પીકઅપ વચ્ચે સર્જાતા બાઈકસવાર બે વ્યક્તિના મોત નિપજ્યા હતા.
અકસ્માતના પ્રથમ બનાવની વિગતો એવી છે કે, મહુવા નજીક હાઈવે પર લક્ઝરી બસ શહેરમાં પ્રવેશ કરી રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે બ્રેક મારતાં બસ રોડથી નીચેના ભાગે ઉતરી ગઈ હતી. આ કારણે ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. નસીબજોગે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. એસટી બસ સ્ટેન્ડ પાસેથી નેશનલ હાઈવેને જોડતા માર્ગ પર આ ઘટના બની હતી. આ માર્ગ મકાન વિભાગ દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે. રોડ પોલિશ હોવાના કારણે અહીં વારંવાર નાના-મોટા વાહનો સ્લિપ થવાની ઘટનાઓ બની રહી છે.
અકસ્માતના બીજા બનાવમાં ભાવનગર-મહુવા નેશનલ હાઈવે પર દાતરડી ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક અને બોલેરો પીકઅપ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ આ બંને વ્યક્તિઓ, ખીમજીભાઈ કવાડ અને પિયુષભાઈને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.