હાઈવે પર ખર્ચ કરતા બમણો ટોલટેક્સ વસુલવા સામે ટ્રાન્સપોર્ટરની લડતનો પ્રારંભ
• અડાલજ-મહેસાણા હાઈવે પર ટોલબુથ સામે વિરોધ કરાયો,
• વડોદરા-હાલોલ હાઈવે પરના ટોલપ્લાઝા પર વિરોધથી ટ્રાફિક જામ થયો,
• ખર્ચ કરતા બમણી વસુલાત બાદ પણ વર્ષો સુધી ઉઘરાવાતો ટોલ
અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે બનાવવાનો ખર્ચ વસુલવા માટે ટોલપ્લાઝા બનાવવામાં આવ્યા છે. જેમાં ઘણાબધા ટોલપ્લાઝા પર બમણાથી વધુ રકમ એકઠી કરી લીધા બાદ પણ વર્ષો સુધી ટોલ ઉઘરાવાય છે. રાજ્યમાં અડાલજ-મહેસાણા હાઈવે તેમજ વડાદરા-હાલોલ હાઈવે પર હાઈવે બનાવવાનો ખર્ચ બમણાથી વધુ એકઠો કરી લીધો હોવા છતાંયે ટોલ વસુલાતો હોવાથી ટ્રક ટ્રાન્સપોર્ટરોએ લડતનો પ્રારંભ કર્યો છે. વડોદરા - હાલોલ અને મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા મેવડ ટોલનાકા પર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ટોલનો વિરોધ કરવામાં આવ્યો છે. વાહનચાલકોને જાગૃત કરવા પેમ્પલેટ પણ વહેંચ્યા હતા. વડોદરા-હાલોલ હાઈવે પર તો ટ્રકચાલકોએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવતા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. જો કે, પોલીસને તેઓને રસ્તા પરથી દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
ગુજરાતમાં અડાલજ-મહેસાણા હાઈવે પર મેવજ ટોલનાકા તેમજ વડોદરા-હાલોલ હાઈવે પરના ટોલ નાકા પર ટ્રાન્સપ્રેટરોએ વિરોધ કર્યો હતો. હાઈવે બનાવવા પાછળ થયેલા ખર્ચ કરતા વધુની રકમનો ટોલ ટેક્સ વસૂલી લીધો હોવા છતા ટોલની ઉઘરાણી સામે ટ્રક અને બસના ચાલકોએ રોષ વ્યકત કર્યો છે. હવે આ ટોલનાકા પરથી પસાર થવાના બદલે ટોલ નાકા ન હોય તેવા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસો અને ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા આજે વડોદરા -હાલોલ, અડાલજ - મહેસાણા ટોલ રોડના બહિષ્કારનું એલાન કરવામાં આવ્યું છે. આજે ગોલ્ડન ચોકડી પાસે આવેલું હાલોલ વડોદરા ટોલટેક્સ પાસે વિરોધ નોંધાવ્યો હતો અને આગામી સમયમાં જો આ ટોલટેક્સ પરત નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. તમામ એસોસિએશન, ટ્રક માલિકો સહિત ટ્રાવેલ્સ એસોસિએશન પણ લડતમાં સાથે જોડાયેલા છે.
હાલ સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો છે, સાથે જ જે ટ્રકો ગોલ્ડન ચોકડી તરફથી હાલોલ તરફ જઈ રહી છે તેઓને પેમ્પલેટ વિતરણ કરી અને તેઓને સમજાવવામાં આવી રહ્યા છે કે આ ટોલટેક્સ ન આપો અને અન્ય માર્ગનો ઉપયોગ કરો, કેટલાક ટ્રક ચાલકોએ રોડ પર બેસી અને ભારે સૂત્રોચાર કર્યો હતો જેના કારણે ગોલ્ડન ચોકડી પાસે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ હોવા છતાં પણ મુક્તેક્ષક બની હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે.
મહેસાણાના મેવડ ટોલનાકા પર વિરોધ મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા મેવડ ટોલનાકા પર પણ ટ્રાન્સપોર્ટર દ્વારા ટોલ ટેક્સનો વિરોધ કરવામાં આવ્યો હતો. ટ્રાન્સપોર્ટર દ્વારા ટોલનાકા પરથી પસાર થવાના બદલે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે. ટોલટેક્સની નિયત રકમ કરતા અનેકગણો ટેક્સ વસૂલ્યા બાદ પણ ઉઘરાણી ચાલુ રાખતા ટ્રાન્સપોર્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે.