For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઉત્તર ગુજરાતના મહેસાણા-ઊંઝા પંથકમાં વરસાદ, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

02:13 PM Oct 25, 2025 IST | revoi editor
ઉત્તર ગુજરાતના મહેસાણા ઊંઝા પંથકમાં વરસાદ  હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું
Advertisement

મહેસાણા: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે શનિવારે વહેલી સવારથી મહેસાણા, ઊંઝા, પાલનપુર અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એક તરફ વહેલી સવારની ગુલાબી ઠંડી અનુભવાઈ, ત્યારે જ બીજી તરફ કમોસમી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઉંઝા-બહુચરાજી પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કારતક મહિનામાં વરસાદ પડતા અષાઢી માહોલ સર્જાયો હતો. દોઢ ઇંચ જેટલા વરસાદના કારણે ઊંઝા રેલવે અંડરપાસ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સુચના આપી છે.

Advertisement

ભારે વરસાદને પગલે પાલનપુર, ઊંઝા અને મહેસાણા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ કમોસમી વરસાદને કારણે કપાસ, રાયડો, કઠોળ, જુવાર સહિતના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોમાં દેખાઈ રહી છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે હવામાન વિભાગે રાજ્યમાં 25થી 27 ઓક્ટોબર સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આવતીકાલે રવિવારે વલસાડ, ડાંગ, નવસારી, ભરુચ, સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. 27 ઑક્ટોબરના રોજ વલસાડ, ડાંગ, નવસારી, ભરુચ, સુરત, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે નાગરિકોને અને ખાસ કરીને માછીમારોને સલાહ આપી છે કે આ દિવસોમાં દરિયા પર ન જાવા અને સાવધાની રાખો.

Advertisement

Advertisement
Tags :
Advertisement