નળ સરોવરમાં છેલ્લા બે વર્ષથી બોટિંગને મંજુરી ન અપાતા પ્રવાસીઓમાં થયો ઘટાડો
- વડોદરાના હરણીકાંડ બાદ બોટિંગ પર પ્રતિબંધ મુકાયો છે,
- બોટિંગ સેવા બંધ થવાથી અનેક પરિવારો બેરોજગાર બન્યા,
- સરકારને નળ સરોવરના પર્યટનના વિકાસમાં કોઈ રસ નથી
અમદાવાદઃ જિલ્લામાં આવેલા નળ સરોવર એક સમયે પ્રવાસીઓ માટેનું મહત્વનું ડેસ્ટીનેશન બન્યુ હતું. પણ રાજ્ય સરકારની ઉદાસિનતાને લીધે નળ સરોવરમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. સરકારે છેલ્લા બે વર્ષથી બોટિંગને મંજુરી આપી નથી. તેથી પ્રવાસીઓ બોટની સફર કરીને પક્ષીઓનો નજારો માણી શકતા નથી. બીજી તરફ બોટ બંધ હોવાથી અનેક પરિવારો બેરોજગાર બન્યા છે.
સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની વચ્ચે આવેલું નળ સરોવર પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. દિવાળી સમય અને રજાના દિવસોમાં નળ સરોવરમાં પક્ષીઓ જોવા સાથે કુદરતી સૌંદર્ય નિહાળવા ગુજરાતભરમાંથી પર્યટકો ઉમટે છે. ત્યારે વડોદરા હરણીકાંડ બાદ નળસરોવરમાં ચાલતી બોટ બંધ કરાતા સંખ્યાબંધ પરિવારા લાભ પાંચમે મુહૂર્ત કરી શક્યા ન હતા.
ગુજરાત સરકારના પ્રવાસન અને ઇકો ટુરીઝમ ના નામે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ નળ સરોવરમાં પ્રવાસીઓની સુવિધા ના નામે મીંડું હોવાનું જોવા મળી રહ્યુ છે. મોટી સંખ્યામાં રજાના દિવસોમાં પર્યટકો વિદ્યાર્થીઓ પક્ષી પ્રેમીઓ આવતા હોય છે ત્યારે છેલ્લા બે વર્ષથી બોટિંગની સુવિધા બંધ હોવાના કારણે વિદેશી પક્ષીઓ જોવા પાણીમાં પર્યટકો અને યાત્રિકો નથી જઈ શકતા. હજારો પરિવારની રોજી રોટી છીનવાઈ જવા પામી છે. દર વર્ષે જ્યારે દિવાળીના પર્વની પાંચમ હોય ત્યારે બોટીંગ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારજનો મુહૂર્ત કરી વર્ષ સારું જાય તે પ્રકારની પ્રાર્થના કરતા હોય છે પરંતુ, છેલ્લા બે વર્ષથી આ મુહૂર્ત નથી થઈ શક્યું બોટીંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
નળ સરોવરમાં હોડકીઓ બંધ હોવાના કારણે પર્યટકોને પણ બહારથી જ નળ સરોવર નિહાળવું પડી રહ્યું છે નળ સરોવર જોવાનો સાચો લહાવો થોડું અંદર જવું પડે છે અને ત્યારબાદ વિદેશી પક્ષીઓ અવનવું વાતાવરણ પર્યટકો નિહાળી શકે છે પરંતુ હોડકાઓ બંધ હોવાના કારણે પર્યટકોની પણ સંખ્યામાં ઘટાડો થયો છે અને પર્યટકો દિન પ્રતિદિન ઘટતા જાય છે.