અમદાવાદના સાયન્સસિટીમાં પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સમાં લાગી આગ, 50ને રેસ્ક્યુ કરાયા
- ફાયર બ્રિગેડની ટીમે 3જા માળે ફસાયેલા લોકોનું રેસ્કયુ કર્યા
- સદભાગ્યે આગમાં કોઈ જામહાની નહીં
- આગની જાણ થતાં લોકોના ટોળાં જામ્યા
અમદાવાદઃ શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલિગન્સ નામના કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાનો કોલ મળતા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં 50થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલા પરિશ્રમ એલીગન્સમાં આવેલી એક હોટલના પેન્ટ્રી રૂમમાં આગ લાગી હતી. કોમ્પ્લેક્સના તમામ લોકો ને નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે 50 જેટલા લોકોને રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યા હતા બાકીના લોકો જાતે સીડી મારફતે નીચે ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ફાયર બ્રિગેડ દ્વારા આગ કેવી રીતે લાગી તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં આવેલા આવેલા પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આગ લાગી હતી. કોમ્પ્લેક્સમાંથી લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાના મેસેજ મળતાં ફાયર બ્રિગેડની આઠ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને બચાવીને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા આવ્યા હતા. આ આગ કયા કારણોસર લાગી અને તેમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ છે કે કેમ, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ભેગા થયા હતાં. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી કામગીરી કરી હતી.