ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં દિવાળીની રજાઓને લીધે પ્રવાસીઓ ઉમટી પડ્યાં
- ઈન્દ્રોડા પાર્કમાં છેલ્લા 4 દિવસમાં 20 લોકોએ મુલાકાત લીધી,
- પાર્કમાં સિંહ, વાઘ અને દીપડાની જોડી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા,
- એકમાત્ર ઝૂલોજિકલ પાર્ક હોવાથી લોકો વન્યજીવોને નિહાળવા માટે આવે છે
ગાંધીનગરઃ શહેરમાં ઇન્દ્રોડા નેચર પાર્ક દિવાળીના તહેવારોની રજાઓમાં પ્રવાસીઓથી ઉભરાઈ ગયું હતું. લાંબી રજાઓનો લાભ લઈને પર્યટકોએ કુદરત અને વન્યજીવોના સાંનિધ્યમાં સમય પસાર કરવા માટે આ પાર્કની મુલાકાત લેતા ચાર દિવસના ગાળામાં જ 20 હજારથી વધુ પ્રવાસીઓએ પાર્કની મુલાકાત લીધી હતી. પ્રવાસીઓની ભીડ જોતાં દિવાળીના વેકેશનમાં ઇન્દ્રોડા પાર્ક પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની ગયું હતું.
પાટનગર ગાંધીનગરમાં ઈન્દ્રોડા પાર્કમાં દિવાળીની રજાઓને લીધે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો. પાર્કમાં સિંહ, વાઘ અને દીપડાની જોડી છે. ઉપરાંત પાટનગર ખાતેના એકમાત્ર ઝૂલોજિકલ પાર્ક હોવાને કારણે અહીં દૂર-દૂરથી લોકો વન્યજીવોને નજીકથી નિહાળવા માટે આવે છે. તહેવારોના સમયગાળામાં મોટી સંખ્યામાં પરિવારો, યુવાનો અને બાળકો વન્યજીવ સૃષ્ટિની સુંદરતા માણવા માટે પાર્ક પહોંચ્યા હતા. ખાસ કરીને 23 ઓક્ટોબરના રોજ પાર્કમાં સૌથી વધુ ભીડ જોવા મળી હતી. આ એક જ દિવસે આશરે 8 હજાર જેટલા પ્રવાસીઓએ પાર્કની મુલાકાત લીધી હતી, જે તહેવારોના સમયમાં થયેલી રેકોર્ડબ્રેક મુલાકાત ગણી શકાય.
આ અંગે ઇન્દ્રોડા પાર્કના RFO એસ. ડોડીયાએ જણાવ્યું હતું કે, દિવાળીની રજાઓને કારણે પાર્કમાં પ્રવાસીઓનો ઘસારો ખૂબ જ સારો રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં 20 હજારથી વધુ લોકો પાર્કની મુલાકાત લઈ ચૂક્યા છે. સિંહ, વાઘ અને દીપડાની જોડી ઉપરાંત, ડાયનાસોર પાર્ક અને બોટનિકલ ગાર્ડન પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પાર્ક સ્ટાફ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તહેવારોમાં પ્રવાસીઓના આ જબરદસ્ત પ્રતિસાદે ગાંધીનગરના આ પ્રકૃતિધામને ફરી એકવાર લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કર્યું છે.