કાલે 15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિન, ગ્રાહકોની 18000 ફરિયાદોનો નિકાલ કરાયો
- ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન દ્વારા 5 મહિનામાં 4200 લોકોને માર્ગદર્શન અપાયું
- જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા 15,820 કેસનો નિકાલ કરાયો
- ટકાઉ જીવનશૈલીનું મહત્વ સમજાવે છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ2025ની થીમ
ગાંધીનગરઃ વિશ્વભરમાં ગ્રાહકો તેમના અધિકારો પ્રત્યે જાગૃત થાય તે ઉદ્દેશથી દર વર્ષે 15મી માર્ચના રોજ ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની ઊજવણી કરવામાં આવે છે. વિકસિત બજારોના નિર્માણમાં જાગૃત ગ્રાહકની ભૂમિકા ઘણી અગત્યની છે. આ વાતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગ્રાહકો માટે વધુ પારદર્શક અને જવાબદાર તંત્ર સુનિશ્ચિત કરવા અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા પર ભાર મૂક્યો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી નિવારણ પૂરું પાડવા માટે સતત કાર્યરત છે. વર્ષ 2024ની વાત કરીએ તો, રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન તથા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા અનુક્રમે 2,214 અને 15,820 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ગ્રાહકોને તેમના અધિકારો વિશે શિક્ષિત કરવા, ઉપલબ્ધ સુરક્ષા અંગે જાગૃતિ વધારવા અને રાજ્યમાં ન્યાયી વેપાર પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે નોંધપાત્ર પગલાં લીધાં છે. રાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન પોર્ટલ- ઈ જાગૃતિ અને 1915 હેલ્પલાઈન ઉપરાંત, રાજ્ય સ્તરે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે રાજ્ય સરકારનો હેલ્પ લાઇન નંબર – 14437 કાર્યરત છે, જેમાં ગ્રાહકોને લગતી ફરિયાદો અંગે તેઓને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે. આ હેલ્પલાઇન ઓકટોબર 2024થી શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત આજ દિન સુધીમાં 4200થી વધુ ગ્રાહકોને મદદ પૂરી પાડવામાં આવી છે. 2024માં રાજ્ય અને જિલ્લા સ્તરના ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા 18,000થી વધુ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો.
ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 2477 તથા તાબાના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 19,723 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી અનુક્રમે 2214 અને 15,820 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નાણાંકીય વર્ષ 2024-25 દરમિયાન રાજ્ય અને જિલ્લા સ્તરે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં કુલ 1457 કેસમાં ₹24,84,69,140ની રકમનો પરસ્પર સહમતિથી નિકાલ કરવામાં આવ્યો છે. લોક અદાલત એક એવું મંચ છે જ્યાં પંચાયત પહેલાં પેન્ડિંગ કેસો અથવા કાયદાની અદાલતમાં પ્રિ-લિટીગેશન સ્ટેજ પર, પતાવટ કરવામાં આવે છે.